આણંદ જિલ્લાના સોખડા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વહીવટ અને સત્તાના સૂત્રો કબજે કરવા માટે બે સંતો વચ્ચે ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આમાંય સ્વામી ત્યાગ વલ્લભદાસજીએ વિરોધી દળના હરિભક્તોને ઘુવડ કહેતા આ વિવાદ વકર્યો છે. સોખડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી થોડા સમય અગાઉ બ્રહ્મલીન થયા છે અને એ પછી આ સંપ્રદાયનો વહીવટ અને સત્તાના સૂત્રો કબજે કરવા માટે સ્વામી ત્યાગ વલ્લભદાસ અને પ્રબોધ સ્વામી પછી હોડ જામી છે.
થોડા સમય અગાઉ સ્વામી ત્યાગ વલ્લભદાસ દ્વારા સ્વામી પ્રેમદાસજીની નિમણૂક કરી દેવામાં આવી છે. જેને લઇ પ્રબોધ સ્વામીના ટેકેદાર હરિભક્તોમાં રોષ પ્રવર્તતો હતો. તાજેતરમાં સ્વામી ત્યાગ વલ્લભદાસે પ્રબોધ સ્વામીના ટેકેદાર હરિભક્તોને ઘુવડનું સંબોધન કર્યું હતું. જેના પગલે સંતોના બે જૂથ અને તેમના સમર્થકો વચ્ચે ચાલતો વિવાદ વકર્યો છે. અને રવિવારે આણંદ ખાતે પ્રબોધ સ્વામીના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટયા હતા. જેઓએ પોતાને ઘુવડ તરીકે સંબોધવાના સ્વામી ત્યાગ વલ્લભદાસના નિવેદનની આકરી ટીકા કરી હતી અને તેમના દ્વારા જાહેરમાં માફી માગવાની પણ માંગ કરવામાં આવી હતી.
રવિવારે આણંદ ખાતે મુંબઈ, કચ્છ તેમજ અન્ય સ્થળોએથી પ્રબોધ સ્વામીના હરિભક્તો ઉમટી પડયા હતા. જેઓએ ત્યાગ વલ્લભદાસની મનસ્વી નીતિરીતિની ટીકા કરી એવા પણ આક્ષેપો કર્યા હતા કે તેમણે સંતોના ફોન બંધ કરાવી દીધા છે. તેમજ સંતોને હરિધામજી બહાર જવું હોય તો પણ વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી કરી છે. આ ઉપરાંત અનુપ ચૌહાણ નામના એક યુવકને માર મારીને હરિભક્તો અને સંપ્રદાયમાં દહેશતનું વાતાવરણ ઉભુ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.અને પ્રબોધ સ્વામીના સમર્થકોએ હરિપ્રસાદ સ્વામીના યુગ કાર્યને આગળ વધારવામાં આવે તેવા વહીવટની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.