મુંબઈ: સમાજસેવી અન્ના હજારેએ શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. તેમાં અન્નાએ લખ્યું છે- તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષાની જરૂર નથી. જો તેમની સાથે કોઈ દુર્ઘટના થશે તો તેઓ પોતે જ તેના જવાબદાર રહેશે. મહિલાઓની સુરક્ષાના મુદ્દે પોતાના ગામ રાલેગણ સિદ્ધીમાં 20 ડિસેમ્બરથી અન્ના હજારે મૌન વ્રત પર છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે રાજ્યના મુખ્ય વ્યક્તિઓની સુરક્ષામાં ફેરબદલનો નિર્ણય કર્યો છે. તેમાં અન્નાની સુરક્ષા વાય કેટેગરીમાંથી ઝેડ કેટેગરી કરવામાં આવી છે.
અન્નાએ પત્રમાં લખ્યું છે કે, મંદિરમાં રહેતા મારા જેવા ફકીરની સુરક્ષા પર સરકાર મોટી રકમ ખર્ચ કરી રહી છે. લોકો પાસેથી ટેક્સમાં મળેલા પૈસાનો આ રીતે દુરઉપયોગ ન કરવો જોઈએ. બીજાને ભલે સિક્યુરિટી ઘરેણા જેવી લાગતી હોય, પરંતુ મને તે પસંદ નથી. મને અમુક લોકોએ ધમકી આપી છે પરંતુ મને મરવાનો ડર નથી. સેનામાં હતો ત્યારે એક વાર હું મોતને માત આપી ચૂક્યો છું. સુરક્ષા હોવાથી કોઈ મરશે નહીં તેની પણ શું ગેરંટી છે. કારણ કે પૂર્વ વડાપ્રધાનો ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પણ સુરક્ષા વચ્ચે જ હત્યા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રની સત્તા સંભાળ્યા પછી ઉદ્ધવ સરકારે રાજ્યના મુખ્ય વ્યક્તિઓની સુરક્ષામાં ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારની સુરક્ષા સમિતીએ 90 લોકોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. ત્યારપછી અન્નાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલાં અન્નાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી. હાલ અન્નાના આ પત્રને મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે પહેલાં પણ અન્નાએ સરકારી સુરક્ષા હટાવવાની માંગણી કરી હતી. પરંતું જોખમની શંકાને ધ્યાનમાં રાખીને સરકારે તેમની સુરક્ષા ચાલુ રાખી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.