યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રશિયાએ પૂર્વ યુક્રેનમાં ડોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપી છે. રશિયાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક સાથે મિત્રતા, સહકાર અને પરસ્પર સહાયતા અંગેની સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં તણાવ વધુ વધવાની આશંકા છે.અને આ દરમિયાન ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે.
યુક્રેનમાં રહેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે મંગળવારે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ 7.40 વાગ્યે દિલ્હીથી કિવના ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થઈ છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે વધારાની ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. અને વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં સતત વધી રહેલા તણાવ અને સ્થિતિની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વધારાની ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે 25 ફેબ્રુઆરીએ કિવથી દિલ્હી માટે સવારે 7 વાગ્યે, 27 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે અને સાંજે 7.35 વાગ્યે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.અને 6ઠ્ઠી માર્ચે પણ સાંજે 7.35 કલાકે વધારાની ફ્લાઈટ કિવથી દિલ્હી આવશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા સિવાય ઘણી અન્ય એરલાઇન્સ પણ કિવથી દિલ્હી સુધી ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.
વિદેશ મંત્રાલય તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વધુ ફ્લાઇટનો વિકલ્પો ઉપલબ્ધ થશે ત્યારે એડવાઇઝરી અપડેટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવને જોતા વિદેશ મંત્રાલયે એડવાઇઝરી દ્વારા ભારતીયોને ત્યાંથી પાછા આવવાની સલાહ આપી હતી. અને યુક્રેનમાં ભારતીય રાજદ્વારીઓના પરિવારજનોને પણ દિલ્હી પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.