2010એનવાય65 નામનો આ એસ્ટેરોઈડ આજે બપોરે 12:15 કલાકે ધરતીથી આશરે 37 લાખ કિમી દૂરથી પસાર થશે
એક ભારે મોટો ઉલ્કાપિંડ અંતરીક્ષના ઉંડાણમાંથી ધરતી તરફ આવી રહ્યો છે. આ ઉલ્કાપિંડની ગતિ એટલી વધારે છે કે જો તે ધરતી પર પડે તો અનેક કિલોમીટર સુધી તબાહી વ્યાપી શકે છે અને સમુદ્રમાં પડે તો સુનામી સર્જાઈ શકે છે. આ ઉલ્કાપિંડને ધરતી સુધી પહોંચવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ ઉલ્કાપિંડની (Asteroid)ની ગતિ 13 કિમી પ્રતિ સેકન્ડની છે મતલબ કે 46,500 કિમી પ્રતિ કલાક.
આ ઉલ્કાપિંડ દિલ્હીના કુતુબમિનાર કરતા ચાર ગણો અને અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે અને તેને 2010એનવાય65 નામ આપવામાં આવ્યું છે. તે 1,017 ફૂટ લાંબો છે મતલબ કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો અને કુતુબમિનાર કરતા ચાર ગણો મોટો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 310 ફૂટ અને કુતુબમિનાર 240 ફૂટ લાંબો છે. તે આજે એટલે કે 24 જૂન 2020ના રોજ બપોરે 12:15 કલાકે પૃથ્વી પાસેથી પસાર થશે.
અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના અનુમાન પ્રમાણે તે ધરતીથી આશરે 37 લાખ કિમી દૂરથી પસાર થશે. જો કે અંતરીક્ષ વિજ્ઞાનમાં આ અંતરને વધુ માનવામાં નથી આવતું પરંતુ તેમ છતા પૃથ્વીને આ ઉલ્કાપિંડથી કોઈ જ જોખમ નથી. નાસાના વૈજ્ઞાનિકો તે તમામ એસ્ટેરોઈડ્સને પૃથ્વી માટે જોખમી માને છે જે 75 લાખ કિમીના અંતરની અંદરથી પસાર થાય છે.
આટલી ઝડપથી પસાર થનારા ખગોળીય પિંડને નિયર અર્થ ઓબ્જેક્ટ્સ (NEO) કહે છે. સૂર્યની ચારેબાજુ ચક્કર કાપતા નાના-નાના ખગોળીય પિંડને એસ્ટેરોઈડ કે પછી ક્ષુદ્રગ્રહ કહે છે. તે મુખ્યત્વે મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે ઉપસ્થિત એસ્ટેરોઈડ બેલ્ટમાં જોવા મળે છે અને ઘણી વખત તેમના કારણે પૃથ્વીને નુકસાન પણ પહોંચે છે.
જૂન મહીનામાં એસ્ટેરોઈડ પસાર થવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ છ જૂનના રોજ પ્રથમ એસ્ટેરોઈડ ધરતીની પાસેથી પસાર થયો હતો જેનો વ્યાસ 570 મીટર હતો. તે 40,140 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થયો હતો અને તેનું નામ 2002એનએન4 હતું. ત્યાર બાદ આઠ જૂનના રોજ 2013એક્સ22 નામનો એસ્ટેરોઈડ ધરતીની નજીકથી પસાર થયો હતો જેની ઝડપ 24,050 કિમી પ્રતિ કલાક હતી. તે ધરતીથી 30 લાખ કિમીની દૂરીથી પસાર થયો હતો.
વર્ષ 2013માં રશિયામાં ચેલ્યાબિંસ્ક એસ્ટેરોઈડ પડ્યો હતો જેના કારણે 1,000થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા અને હજારો ઘરની બારી-બારણા વગેરે તૂટી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.