અરબી સમુદ્રમાં ચક્રવાતી અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો, આગામી દિવસોમાં વરસાદની આગાહી

શિયાળાની કડકડતી ઠંડી પડવાની ઋતુમાં રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની અસરને પરિણામે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ જોવાઈ રહી છે.

આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને દેવવાડા પંથકમાં, અમરેલીના સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાવાદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં, તેમજ ભાવનગર શહેરમાં પણ તેમજ જિલ્લાના ગારિયાધાર સહિતના પંથકમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે.

જ્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જે સાથે ઠંડીમાં પણ ઘટાડો થઈ શકે છે. આ માવઠાને લીધે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.

અરબી સમુદ્રના થયેલી ચક્રવાતી અસરને પરિણામે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ ચક્રવાત સમુદ્રમાં જ સમાઈ જાય અથવા તો ઓમાન તરફ ફંટાઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે. અને ત્રણ દિવસ સુધી સતત વાદળછાયું વાતાવરણ રહેવાની હાલમાં આગાહી અપાઈ છે. આ આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છાંટાછૂટી વરસાદ ચાલુ પણ થઈ ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.