– કોઈ ધર્મ જીવના જોખમે તહેવારો ઊજવવાનું કહેતો નથી : હર્ષવર્ધન
દેશમાં આગામી સપ્તાહથી નવરાત્રીની શરૂઆત થવાની સાથે તહેવારોની સીઝન શરૂ થશે. આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. શિયાળામાં કોરોનાનો પ્રકોપ વધી શકે છે તેવી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, કોઈપણ ધર્મ જીવનના જોખમે તહેવારોની ઊજવણી કરવાનું કહેતો નથી.
કેન્દ્રીય મંત્રીએ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત તમામ તકેદારી રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શિયાળાની સીઝનમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધી શકે છે.
ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, તમારા બધાનું રક્ષણ કરવું એ મારૂં કર્તવ્ય છે. કોઈપણ ધર્મમાં કોઈપણ ભગવાન કે આચાર્ય એમ નથી કહેતા કે લોકોના જીવ જોખમમાં નાંખીને તહેવારોની ઊજવણી કરવી જોઈએ. કોઈપણ ભગવાન એમ નથી કહેતા કે તેમની પૂજા માટે તમારે મોટા-મોટા પૂજા પંડાલોમાં જવું જોઈએ. પોતાનો વિશ્વાસ સાબિત કરવા માટે મોટી સંખ્યામાં એકત્રીત થવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું હતું કે, સ્વયં વડાપ્રધાનજીએ તહેવારોની મોસમને જોતા જન આંદોલનની શરૂઆત કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે જો તમે અને આપણે બધા આ જનઆંદોલનમાં પોતાની જન ભાગીદારી કરો તો નિશ્ચિતરૂપે તહેવારો અંગે અમે જે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, તે જનતા સુધી પહોંચી જશે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે લોકોને આ બાબત સમજાવવામાં સફળ થઈશું તો સમજી લો કે આ તહેવાર પણ ખુશીઓની સાથે નીકળી જશે. પરંતુ અહીં હું એક વાત સ્પષ્ટ કરી દેવા માગું છું કે જો આપણે આપણા તહેવારો દરમિયાન કોરોના સંબંિધત આચાર સંહિતાનું પાલન નહીં કરીએ તો કોરોના વાઈરસ ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને આપણા બધા માટે સમસ્યાનું કારણ બની શકે છે.
હર્ષવર્ધને કહ્યું કે હું લોકોને વિનંતી કરૂં છું કે આગામી સમયમાં અનેક તહેવારો આવશે, જેમાં નવરાત્રી, દૂર્ગા પૂજા, દશેરા, કડવાચોથ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, છઠ પૂજા, ક્રિસમસ જેવા અનેક તહેવારોનો સમાવેશ થાય છે.
આપણે બધા આપણા આ તહેવારો પર મેક ઈન ઈન્ડિયા વસ્તુઓ પર ભાર આપીએ તો નિશ્ચિતરૂપે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને આગળ વધારવાનું કામ કરીશું. તેમણે આગળ કહ્યું કે પ્રયાસ કરીએ કે પાશ્ચાત્ય પરંપરાઓથી હટીને ભારતીય પરંપરાને અનુસરીએ. તેમણે કહ્યું કે સાર્સ સીઓવી-2 શ્વાસોચ્છ્વાસ સંબંિધત વાયરસ છે અને આવા વાયરસ શિયાળાની સીઝનમાં વકરે છે.
શ્વાસોચ્છ્વાસ સંબંિધત વાયરસ ઠંડા વાતાવરણ અને ઓછી ભેજવાળી સિૃથતિમાં વધુ સારી રીતે ઉછરે છે. હર્ષવર્ધને તેમના ‘સન્ડે સંવાદ’ કાર્યક્રમ દરમિયાન કોરોના વાઈરસની સારવારમાં આયુર્વેદ અને યોગ અંગે આયુષ મંત્રાલયની ફોર્મ્યુલાની અસરકારકતા અંગે જણાવ્યું હતું કે, સિલિકો અભ્યાસ, પ્રયોગાત્મક અભ્યાસો અને ક્લિનિકલ અભ્યાસો પરથી વૈજ્ઞાાનિક પુરાવાના આધારે કહી શકાય છે કે આ ફોર્મ્યુલેશન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વધુમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોનાની રસી મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. આપણે તેનાથી બચવું જોઈએ. કેટલાક ન્યૂઝમાં દાવો કરાયો છે કે કોરોનાની રસી આપવામાં યુવાનો અને વૃદ્ધો સાથે ભેદભાવ થઈ શકે છે. જોકે, આવા સમાચારો તદ્ન ખોટા છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાની રસી પહેલા, બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે. તેના પરીણામોની રાહ જોવાઈ રહી છે. કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે 3,000 કરોડનું ભંડોળ રીલીઝ કર્યું છે. અનેક રાજ્યોમાં તેનો પ્રયોગ ચાલી રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહીશું.
તહેવારો ઊજવો તો જીવ જોખમમાં, ચૂંટણીની રેલીઓમાં સબ સલામત!
દેશમાં આગામી સપ્તાહથી નવરાત્રી સાથે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. આવા સમયમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દેશવાસીઓને કોઈપણ ધર્મ જીવના જોખમે તહેવારોની ઊજવણી કરવાનું કહેતો નથી તેવી સલાહ આપી છે.
જોકે, તેમની આ સલાહને પગલે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નેતાઓની લોકો માટે અને પોતાના માટે અલગ અલગ નીતિઓ છે. લોકો ઉત્સવો ઊજવે તો તેમને કોરોનાનો ભય બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ જ નેતાઓ ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરે છે, જેમાં લોકો માસ્ક પણ નથી પહેરતા કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી થતું.
દેશમાં તહેવારોની સાથે બિહારમાં વિધાનસભાની તેમજ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી પ્રચાર માટે નેતાઓ મોટી સંખ્યામાં સભાઓ યોજી રહ્યા છે, જ્યાં નેતાઓને કોરોનાના પ્રકોપનો ભય નડતો નથી.
લોકોનું કહેવું છે કે જો ધાર્મિક તહેવારોની ઊજવણી કરવામાં આવે તો લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, પરંતુ નેતાઓ ચૂંટણીપ્રચાર માટે લોકોની ભીડ એકઠી કરે તો લોકોનો જીવ જોખમમાં મુકાતો નથી. હકીકતમાં હાથીના દાંત ખાવાના અને બતાવવાના જૂદા હોય તેમ નેતાઓ લોકોને તહેવારોમાં એકત્ર નહીં થવાની સલાહ આપે છે, પરંતુ પોતે ચૂંટણી સભાઓમાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.