કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને બુધવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાઇરસના કુલ ૨૯ કન્ફર્મ કેસ નોંધાયા છે. જેમાં ૧૬ ઇટાલિયન પ્રવાસી, તેમના એક ડ્રાઇવર, કેરળમાં ૩, હૈદરાબાદમાં ૧, દિલ્હીમાં ૧, ગુરુગ્રામમાં ૧ અને આગ્રામાં ૬નો સમાવેશ થાય છે. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં પર્યટક તરીકે આવેલા ૧૬ ઇટાલિયન નાગરિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. તેમની સાથે રહેલા ભારતીય ડ્રાઇવરનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં ભારતના એરપોર્ટ પર ૫,૮૯,૦૦૦ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાયું છે. નેપાળ સાથેની સરહદ ખાતે ૧૦ લાખ કરતાં વધુ લોકોની ચકાસણી થઇ ચૂકી છે. દેશમાં ૨૭,૦૦૦ લોકોને કોમ્યુનિટી સર્વેલન્સ હેઠળ રખાયા છે. દેશમાં કોરોનાના ભયના પગલે ઇટાલીથી આવેલા અને તેમના સંપર્કમાં રહેલા ૫૦ લોકોએ કોરોનાની તપાસ માટે અરજ કરી છે.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વિશ્વના કોઇપણ દેશમાંથી ભારત આવતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટના પ્રવાસીએ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. દેશની તમામ હોસ્પિટલોને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ જારી કરાયા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે મોડી રાત્રે ગુરુગ્રામમાં પેટીએમમાં કાર્યરત જે કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તે ઇટાલીથી હમણા જ પરત આવ્યો હતો. આ કર્મચારી દિલ્હીમાં રહે છે.
હૈદરાબાદમાં કોરોના વાઇરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. હૈદરાબાદની ગાંધી હોસ્પિટલ ખાતે તેમના પ્રારંભિક ટેસ્ટ પોઝિટિવ આવતાં વધુ તપાસ માટે સેમ્પલ પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી ખાતે મોકલી અપાયા છે. આંધ્રપ્રદેશના કાકિનાડાના એક ઇજનેરને કાકિનાડા સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો માટે દાખલ કરાયો હતો. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાઇરસના બે શંકાસ્પદ કેસ સામે આવતાં તેમને મુંબઇ અને પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.