પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને હવે ત્રણ દિવસ બાકી છે અને ત્યારે દેશ-વિદેશથી હજારો ભક્તોનું આગમન અમદાવાદને આંગણે થઈ રહ્યું છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રેરકસંદેશને પોતાનો જીવનમંત્ર બનાવી દેનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકો અને લાખો ભક્તોના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને અદમ્ય ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર જોવા મળી રહ્યો છે.
૪૫ સેવા વિભાગોમાં શહેર તેમજ ગામડાંઓના ભક્તો સાથે મળીને સેવા કરી રહ્યા છે.અને જેમાં ડોક્ટર, ઈજનેર, સીએ, એમબીએ વગેરે ડિગ્રીધારી ભાઈઓ અને બહેનો નાનામાં નાની સેવા કરતા જોઈ શકાય છે. વિશાળ બાળનગરી, પ્રવેશદ્વાર અને ગ્લો ગાર્ડનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરેક વિભાગો જોર-શોરથી પૂર્ણતા તરફ વધી રહ્યા છે અને ‘બીજાના ભલામાં આપનું ભલું છે’ -આ જીવનસૂત્ર સાથે લાખો મનુષ્યોના જીવનમાં ઊર્ધ્વગામી પરિવર્તન લાવનાર, તેઓના આધ્યાત્મિક ઉન્નતિના પથદર્શક એવા પ્રમુખસ્વામી મહારાજ માટે પ્રત્યેક સ્વયંસેવકના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું ઋણ યત્કિંચિત પણ ચૂકવી શકીએ તેવો ભાવ છે. રાત-દિવસ જોયા વગર, પોતાની કૌટુંબિક, આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જવાબદારીઓ સાથે અદભૂત સંતુલન સાધી આ સ્વયંસેવકો કોઈ પણ પ્રકારની સેવામાં ભક્તિપૂર્વક અને ગૌરવભેર પ્રદાન કરી રહ્યા છે. મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર સ્મિતભાઈ જે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે, તેઓએ પત્રકારોને જણાવ્યું કે આ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. ચારે બાજુ હરિભક્તોનો ખૂબ ઉત્સાહ જોવા મળે છે.”
અમદાવાદના આંગણે યોજાઇ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને હવે તમામ બાબતોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જ સમગ્ર કાર્યક્રમમાં સુરક્ષાને લઇને કોઇ જ ક્ષતિ રહી જાય નહિ તેના માટે પોલીસ કમિશનરે શહેરના તમામ ડીસીપી અને તેમની ઉપરી અધિકારીઓ સાથે મીટિંગ કરી જરૂરી સૂચના આપી હતી. કમિશનરે ખાસ તાકીદ કરી હતી કે આ ધાર્મિક કાર્યક્રમ છે અને પોલીસે સંપૂર્ણ વિનમ્ર રહેવાનું છે. સાથે સાથે વીવીઆઇપી મહેમાનો અને વિદેશી ડેલિગેશનની સુરક્ષા માટે એલર્ટ પણ રહેવાનું છે તો બીજી તરફ પોલીસ સાથે સ્વયંસેવકો પણ સેવા માટે તહેનાત રહેશે ત્યારે તેમની સાથે સંકલન રાખીને સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેના માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
અમદાવાદ સિટી-જિલ્લા પોલીસ ઉપરાંત ગાંધીનગર જિલ્લા પોલીસ પણ તહેનાત કરાશે અને જેના માટે ૩૦ અધિકારીઓની કોર કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કાર્યક્રમમાં દેશના પ્રેસિડેન્ટ ઉપરાંત વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક મંત્રીઓ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને વિદેશી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે અને જેને પગલે સુરક્ષા વ્યવસ્થાનું ખાસ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ ડીસીપી અને જેસીપીની એક ખાસ મીટિંગ બોલાવી હતી. જેમાં તમામ અધિકારીઓને પોતાની ટીમ સાથે સજ્જ રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ કક્ષાના કાર્યક્રમમાં પોલીસનું જેવી વર્તન હશે તેવી છબી આવનારા મહેમાનો પર અંકિત થશે માટે પોલીસને વિનમ્ર રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ એક પોલીસ કર્મીની સામે ૧૦ સ્વયંસેવકો ફરજ પર હાજર રહેશે માટે પોલીસને સ્વયંસેવકો સાથે સંકલન કરી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. પોલીસે સ્વયંસેવકોને જરૂરી તાલીમ પણ આપી છે. આ ઉપરાંત પાર્કિગ, ટ્રાફિક અને કેમ્પસમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેના માટે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે તમામ વીવીઆઇપીની સુરક્ષા તેમજ તેમને એરપોર્ટથી કાર્યક્રમના સ્થળે લઇ જવામાં કોઇ અગવડ ઊભી થાય નહિ તેના માટે પણ ખાસ સૂચના આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.