રાજ્યમાં કોરોનાના કેસ તો વધી રહ્યા છે પણ ઓમીક્રોન વેરિયન્ટે પણ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. જે લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા હોય તે પણ ઓમીક્રોનથી સંક્રમિત થઇ રહ્યા છે. તજજ્ઞો કહી રહ્યા છે કે, ઓમીક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં વધારે લોકોને સંક્રમિત કરી રહ્યો છે. એટલા માટે જ સરકાર અને ડૉકટરો દ્વારા લોકોને તકેદારી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઓમીક્રોનના વધતા કેસને લઇને વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકોને જણાવવામાં આવ્યું છે કે, વડોદરા શહેરમાં 5 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જેથી 4 જાન્યુઆરી સુધીમાં કોઈ પણ સ્થળ પર ચાર કરતા વધારે લોકો એકઠા થઇ શકશે નહીં અને રેલીઓ નીકળી શકશે નહીં. આ ઉપરાંત સભા અને સરઘસ પર પણ પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ હુકમ જે લોકો સરકાર અથવા અર્ધ સરકાર એજન્સી અને જે કાયદેસરની ફરજ પર હોય તેને અને સ્મશાન યાત્રામાં લાગુ પડશે નહીં અને જે લોકો જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે ગુજરાત પોલીસ એક્ટની કમલ 135-(3) અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એટલે હવે રાજ્યમાં ઓમીક્રોનના કેસ વધતા વડોદરાની પોલીસ સતર્ક બની છે. તો બીજી તરફ વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા ઓમીક્રોનને લઇને હોસ્પિલમાં અલાયદો વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.