ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે જાણો કોના નામ પર ચાલી રહી છે ચર્ચા ?

ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2022ના અંતમાં ચૂંટણી થાય તે પહેલા જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છે પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આકસ્મિક નિધન થતા કૉંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની છે. એક તરફ વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ પ્રભારીનું અકાળે અવસાન થતા પાર્ટીનું હાઇકમાન્ડ પણ સક્રિય થયું છે. સચિન પાયલટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાની ના પાડી છે. બી. કે. હરિપ્રસાદ, મોહન પ્રકાશ, અવિનાશ પાંડ અને મુકુલ વાસનીકના નામ પર ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પ્રભારીના નામ પર મહોર લાગશે.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે AICCમાં એવા નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે. જે સંગઠનમાં નિષ્ણાત હોય અને પાર્ટીમાં ફરી પ્રાણ પુરી શકવા માટે સક્ષમ હોય. કોંગ્રેસ હાલ ગુજરાતના પ્રભારીના નામ માટે મનોમંથન કરી રહી છે. આ માટે કેટલાક સિનિયર નેતાઓના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

હાલ આ પદ માટે મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન જ અશોક ગેહલોત અને સચીન પાયલટનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, તે મામલાનો સુખદ ઉકેલ આવ્યા બાદ સચીન પાયલટે તેમને પ્રભારી પદેથી હટાવવાની માગ કરતા તેમના સ્થાને અજય માકનને તે જવાબદારી સોંપવામાં આવી હતી.

મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે. આ તમામની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે બે સપ્તાહમાં ખબર પડી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.