અશોક ગેહલોતે બોલાવી બેઠક, પાયલટની જગ્યાએ રઘુવીર મીણા બની શકે છે પ્રદેશ અધ્યક્ષ

વિધાનસભા દળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને જે આ બેઠકમાં હાજર નહીં રહે તેણે પાર્ટીની સદસ્યતાથી હાથ ધોવા પડશે

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોતની સરકાર હચમચી ઉઠી છે અને રાજસ્થાનમાં રાજકીય સંકટ ભારે ગરમાયું છે. સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે તેમને આશરે 30 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે અને તે તમામ હાલ સચિન પાયલટ સાથે જયપુરની બહાર છે.

બીજી બાજુ અશોક ગેહલોત પોતાની સરકાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાના જૂથને સાથે એકત્રિત કરી રહ્યા છે. આજે જયપુરમાં કોંગ્રેસ વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં સંપૂર્ણ તસવીર સ્પષ્ટ થઈ જશે.

એક અહેવાલ પ્રમાણે જો સચિન પાયલટ અને તેમના સમર્થકો આ બેઠકમાં હાજરી નહીં આપે તો પાર્ટી તેમના વિરૂદ્ધ એક્શન લઈ શકે છે. તેમાં તમામને પાર્ટીમાંથી છૂટા કરી શકાય અને તે સાથે જ રાજસ્થાનનો નવો પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી રઘુવરી મીણાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા જણાઈ રહી છે.

રાજસ્થાન સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સિંહના કહેવા પ્રમાણે જો સચિન પાયલટ ભાજપના સાથે જશે તો તેઓ પાપ કરી રહ્યા છે. તેઓ (કોંગ્રેસ) ભાજપને સરકારના શપથ નહીં ગ્રહણ કરવા દે અને તેમની સરકાર બહુમતમાં છે, તેઓ 10 વાગ્યે દેખાડી દેશે. કોંગ્રેસી નેતા વેણુગોપાલ પણ આજે જયપુર પહોંચી ગયા છે. તે સિવાય દિલ્હીના ત્રણ નેતા જયપુરમાં ઉપસ્થિત છે અને તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આજની બેઠકમાં સ્પષ્ટ થશે તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામાએ રવિવારે ક્લાઈમેક્સનું સ્વરૂપ લઈ લીધું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય તલવારો ખેંચાવાના કારણે દિલ્હીમાં ઉપસ્થિત કેન્દ્રીય નેતૃત્વે એક્શનમાં આવવું પડ્યું હતું.

દિલ્હીથી ત્રણ નેતા જયપુર પહોંચ્યા હતા અને તેમણે અશોક ગેહલોત અને અન્ય ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. નક્કી થયા પ્રમાણે સવારે 10:30 કલાકે યોજાનારી વિધાનસભા દળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને જે આ બેઠકમાં હાજર નહીં રહે તેણે પાર્ટીની સદસ્યતાથી હાથ ધોવા પડશે.

સચિન પાયલટ ભાજપમાં જોડાશે?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ સચિન પાયલટ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવા અણસાર છે. સચિન પાયલટે રવિવારે પૂર્વ કોંગ્રેસી સાથી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લીધી હતી અને આશરે 40 મિનિટ સુધી તેમની બેઠક ચાલી હતી.

ત્યાર બાદ સચિન પાયલટ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. તેઓ આજે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ આ મામલે કશું ચોક્કસ સામે નથી આવ્યું.

સચિન પાયલટને 30 ધારાસભ્યોનું સમર્થન

રાજસ્થાન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને આ સંજોગોમાં દરેક પોત-પોતાનો દાવો કરી રહ્યા છે. સચિન પાયલટના જૂથે કરેલા દાવા પ્રમાણે તેમને 30 ધારાસભ્યોનું સમર્થન છે અને બીજા પણ તેમના સાથે જોડાઈ શકે છે.

બહુ જલ્દી જ આ ધારાસભ્યો પોતાનું રાજીનામુ વિધાનસભા સ્પીકરને સોંપી શકે છે. આ તરફ કોંગ્રેસ આ દાવાને નકારી રહી છે પરંતુ રવિવારે રાત્રે અશોક ગેહલોતના નિવાસ સ્થાને જે બેઠક યોજાઈ તેમાં માત્ર 75 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો જ પહોંચ્યા હોવાથી કોંગ્રેસ સતર્ક બની ગઈ છે.

જાણો શું છે રાજસ્થાનની નંબર ગેમ

રાજસ્થાનમાં કોંગ્રેસ અને સાથી દળો પાસે પૂર્ણ બહુમત છે અને ભાજપ ઘણું દૂર છે. જો કેટલાક ધારાસભ્યો

પક્ષપલટો કરી લે તો પણ રાજસ્થાન સરકાર પર કોઈ મોટું સંક્ટ નથી જણાઈ રહ્યું. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠક છે જેમાંથી કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે અને તે સિવાય તેને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. આ તરફ ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. જો સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે 30 ધારાસભ્ય પક્ષપલટો કરે તો અશોક ગેહલોત સરકાર સંકટમાં મુકાઈ શકે છે.

આટલા મુદ્દે આરપારની લડાઈ

હકીકતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયથી જ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે આરપાર લડાઈ ચાલી રહી છે. પરંતુ વર્તમાન સમયમાં

આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે અશોક ગેહલોતે ભાજપ પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો અને સાથે જ પાર્ટીની અંદરના કેટલાક ગદ્દારોને ચેતવ્યા. તેની તપાસ માટે એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેણે સચિન પાયલટને પુછપરછ માટે નોટિસ મોકલી દીધેલી.

જો કે આવી નોટિસ મુખ્યમંત્રીને પણ મોકલાઈ હતી પરંતુ ત્યાર બાદ વિવાદ વધવા લાગ્યો. આ ઉપરાંત સચિન પાયલટનો પ્રદેશ અધ્યક્ષ પદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને રાજસ્થાનમાં પેટાચૂંટણી, પંચાયત ચૂંટણી પણ આવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.