અશોક ગેહલોતનો સૌથી મોટો હુમલો- ‘જાણતો હતો કે પાયલટ તુચ્છ, નકામો અને દગાબાજ છે’

અશોક ગેહલોતના કહેવા પ્રમાણે સચિન પાયલટ કોંગ્રેસના અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા અને ભાજપ તેમનું ફન્ડિંગ કરી રહ્યું છે

 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત સચિન પાયલટ પર આકરો હુમલો કર્યો છે. અશોક ગેહલોતે સોમવારે સચિન પાયલટે કોંગ્રેસની પીઠમાં છરી ભોંકવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ કર્યો હતો અને પાયલટને બહુ નાની ઉંમરે ઘણું બધું મળી ગયું તેવો કટાક્ષ કર્યો હતો. ગેહલોતના કહેવા પ્રમાણે તેમને ખબર જ હતી કે પાયલટ નકામી વ્યક્તિ છે. ઉલ્લેખનયી છે કે અગાઉ પણ રાજસ્થાનના મુખ્યમંત્રીએ સચિન પાયલટ પર નિશાન સાધેલું છે.

આજે અશોક ગેહલોતે કહ્યું કે, ‘અમે કદી સચિન પાયલટ સામે સવાલ નથી કર્યો. સાત વર્ષની અંદર એક રાજસ્થાન જ એવું રાજ્ય છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદલવાની માંગ નથી થઈ. અમે જાણતા હતા કે તે તુચ્છ અને નકામો હતો પરંતુ હું અહીં રીંગણા વેચવા નથી આવ્યો, મુખ્યમંત્રી બનીને આવ્યો છું. અમે નથી ઈચ્છતા કે કોઈ તેમના વિરૂદ્ધ બોલે, બધાએ તેમને સન્માન આપ્યું છે.’

બીજેપી ફન્ડિંગ કરતી હોવાનો આરોપ

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર એવો આરોપ લગાવ્યો કે જે ખેલ હાલ બન્યો તે 10મી માર્ચે બનવાનો હતો. 10 માર્ચના રોજ ગાડી માનેસર માટે રવાના થઈ હતી પરંતુ ત્યારે અમે તે મુદ્દો બધાના સામે લાવ્યા હતા. અશોક ગેહલોતના કહેવા પ્રમાણે સચિન પાયલટ કોંગ્રેસના અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા અને મોટા મોટા કોર્પોરેટર્સ તેમનું ફન્ડિંગ કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ ફન્ડિંગ થઈ રહ્યું છે પરંતુ અમે તમામ ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દેશમાં ગુંડાગીરી થઈ રહી છે. મન પડે તેમ છાપેમારી થઈ રહી છે. મને બે દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી કે મારા અંગત ગણાતા લોકોના ત્યાં દરોડો પડશે. અશોક ગેહલોતે સવાલ કર્યો હતો કે, આજે જેટલા વકીલો સચિન પાયલટના સમર્થનમાં કેસ લડી રહ્યા છે તે બધા મોંઘી ફી લેનારા વકીલો છે તો તે પૈસા ક્યાંથી આવે છે. શું સચિન પાયલટ તે પૈસા આપી રહ્યા છે?

અશોક ગેહલોતે સચિન પાયલટ પર નિશાન સાધતા કહ્યું કે, પાયલટ સાહેબ ગાડી ચલાવીને જાતે દિલ્હી

દિલ્હી જતા હતા, સંતાઈને જતા હતા. અમે સચિન પાયલટના ષડયંત્રનો પર્દાફાશ કર્યો. આના પાછળ ભાજપની રમત છે. જે ધારાસભ્યો અમારા ત્યાં રોકાયા છે તેમને કોઈ વાંધો નથી પરંતુ માનેસરમાં ધારાસભ્યો પાસેથી મોબાઈલ છીનવી લેવાયો છે અને તેઓ રડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક બાજુ કોંગ્રેસનું નેતૃત્વ સચિન પાયલટને પાછા લાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ બીજી બાજુ અશોક ગેહલોત તેમના પર સીધા આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ પણ ગેહલોતે પાયલટ પર નિશાન સાધ્યું હતું અને અમારા ડેપ્યુટી સીએમ જ સરકાર તોડવામાં લાગેલા તેવો આરોપ મુક્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.