સુરતમાં ચોરો બેફામ બન્યા છે. અહીંના મોટા વરાછા વિસ્તારમાં ગજબની ઘટના બની ગઈ. અને બાઈક માલિકની નજર સામે જ ત્રણ ચોરટાઓ જાહેર રોડ પરથી બાઈક ચોરીનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. નવાઈની વાત એ છે કે બાઈક માલિકે જ્યારે પૂછ્યું કે શું કરો છો તો બિન્ધાસ્ત કહ્યું કે અમારી બાઈક છે, લોક તોડી ચાલુ કરી રહ્યાં છે.
મોટા વરાછા લજામણી ચોક પાસે ત્રણ અજાણ્યા બાઈક ચોરી કરી રહ્યાં હતાં ત્યારે બાઈકના માલિકે ત્રણેયને શુ કરો છો તેમ પુછ્યું હતું અને અજાણ્યાઓએ આ બાઈક તેમની છે અને ચાવી ઘરે ભૂલી ગયા હોવાથી લોક તોડીને ચાલુ કરી રહ્યાં હોવાનું કહેતા બાઈકના માલિકે તેના મિત્ર અને ભાઈઓને બોલાવી ત્રણેય બાઈક ચોરી કરતા રંગેહાથ પકડી પોલીસના હવાલે કર્યા હતા.
મોટા વરાછા ખાતે વંદનમ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય જૈનીશ દિલીપભાઈ સાકડાશરીયા મૂળ ભાવનગરના પાલિતાણાના વતની છે.અને જૈનીશભાઈ લજામણી ચોક ખાતે ઓનલાઈન કપડા વેચવાની ઓફિસમાં નોકરી કરે છે. જૈનીશ કામ ઉપર તેના પિતરાઈ ભાઈની બાઈક (જીજે-05-એલએસ-0170) લઈને જાય છે. ગઈકાલે રાત્રે જૈનીશ પિતરાઈ ભાઈ સાથે લજામણી ચોક ખાતે સનરાઈઝ ચેમ્બર્સમા પટેલ પાન સેન્ટરની બાજુમાં બેસવા ગયા હતા. બાઈક દુકાનની સામે રસ્તા પર પાર્ક કરી હતી. ત્યારે જૈનીશની બાઈકને ત્રણ અજાણ્યા લોક તોડી ચાલું કરવાનો પ્રયાસ કરતા હતાં જેથી જૈનીશે બાઈક પાસે જઈને શુ કરો છો એવું પુછતા આ ત્રણેયે આ બાઈક અમારી છે અને અમે બાઈકની ચાવી ઘરે ભૂલી ગયા છે જેથી લોક તોડી ગાડી ચાલુ કરવા કોશિશ કરીએ છીએ તેમ કહ્યું હતું.
જેથી જૈનીશે તેના મિત્ર અને પિતરાઈ ભાઈને બોલાવી આ ત્રણેયને પકડી પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ત્રણેયને પકડી તેમના નામ પુછતા રાહુલ કમલભાઈ સોની (રહે,આહીર ફળિયું, મોટાવરાછા), કમલ પ્રેમસિંગ બહાદુર કુંવર (રહે, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ, નાના વરાછા) અને દિપક હર્ગ ટમટા (રહે, આમેના પાર્ક સોસાયટી, મોટાવરાછા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયની સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.