ફટાણામાં જૂના ડખામાં પ્રૌઢ પર બાઈક ચડાવી દઈ ખૂનની કોશિષ

બગવદર પંથકના ફટાણા ગામે જૂના મનદુ:ખમાં અનુસૂચિત જાતિના એક પ્રૌઢ પર મોટર સાઈકલ ચડાવી દઈ તેમની હત્યાની કોશિષ કરવા તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ગામના જ એક શખ્સ સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલાખોર શખ્સ બાજુમાં જ રહીને દારુનો ધંધો કરતો હોવાથી તેને ટપારવા બાબતે થયેલા મનદુ:ખમાં ઉપરોક્ત ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બનાવ અંગો બગવદર પોલીસમાંથી મળતી વિગતો મુજબ બગવદર પાસેના ફટાણા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરીને પેટિયું રળતાં દેવશીભાઈ મુરુભા બથવાર નામના ૬૦ વર્ષીય પ્રૌઢ તા.૨૮-૯-૨૨ના રોજ રાત્રીના ૧૦-૩૦ વાગ્યાના અરસામાં ગરબી જોઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે તેમના ઘરની સામે જ રહેતો વિજય લખમણભાઈ ખૂંટી નામનો શખ્સ પોતાના બાઈક પર ત્યાં ધસી આવ્યો હતો.
વિજય ખૂંટીએ દેવશીભાઈ કંઈ સમજે તે પહેલાં જ તેમને બાઈકની ઠોકર મારી પછાડી દીધા હતા અને તેમને બાઈક વડે કચડી નાંખી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. આટલે જ ન અટકતાં વિજય ખૂંટીએ દેવશીભાઈને મોતને ઘાટ ઉતારવાના હેતુથી તેમના પર બે વખત મોટરસાઈકલ ચડાવી દઈ તેમને માથામાં તથા હાથ, પગ અને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને નાસી છૂટ્યો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસમાં તેમને ખોપરીમાં હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે બગવદર પોલીસે દેવશીભાઈ બથવારની ફરિયાદના આધારે હુમલાખોર વિજય લખમણભાઈ ખૂંટી સામે આઈપીસી ૩૦૭ મુજબ હત્યાની કોશિષ તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર વિજય ખૂંટી અને દેવશીભાઈ બથવાર ફટાણા ગામે આજુ-બાજુમાં જ રહે છે. વિજય ખૂંટી દારુનો ધંધો કરી પોતાનો દારુ દેવશીભાઈના ઢોર બાંધવાના વાડા પાસે છૂપાવતો હોવાથી દેવશીભાઈએ તેને આ બાબતે ઘણી વાર ટપાર્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં મનદુ:ખ થયું હતું, જેનો ખાર રાખીને વિજય ખૂંટીએ દેવશીભાઈને જાનથી મારી નાખવાની કોશિષ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.