અત્યારે જે સૈન્યબળ ગોઠવાયું છે એ જ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે, પણ વાટાઘાટો દ્વારા ઉકેલના પ્રયાસો ચાલુ છે : વિદેશમંત્રી

ભારત મોટું મન રાખી સરહદી ઉકેલ માટે સાચી દિશામાં પ્રયાસ કરે : ચીનનું ડહાપણ

વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે કહ્યું હતું કે લદ્દાખ સમસ્યા એ ભારત-ચીન વચ્ચે 1962 પછીનો સૌથી મોટો અને ગંભીર સંઘર્ષ છે. તેમણે કહ્યું હતું કે અત્યારે જે રીતે બન્ને બાજુ સૈન્ય ગોઠવાયું છે એ જ સિૃથતિની ગંભીરતા સાબિત કરી આપે છે. હકીકત એ છે કે દોઢ ડઝન વખત વાટાઘાટો થયા પછી પણ ચીન બરફ ઝોનમાંથી પોતાનું સૈન્ય પાછુ ખેંચવા તૈયાર નથી.

ચીની સંરક્ષણ મંત્રાલયના બયાનમાં કહેવાયું છે કે ભારત સાથે તેઓ શાંતિથી જ ઉકેલ ઈચ્છે છે. ભારત તેમનું મહત્ત્વપૂર્ણ પડોશી રાષ્ટ્ર છે,એવો શાબ્દીક દંભ પણ ચીને દર્શાવ્યો હતો. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય રીતે બોર્ડરના આવા પ્રશ્નો વાટાઘાટોથી ઉકલી જતાં હોય છે. અહીં પણ ઉકલે એવી આશા છે. પરંતુ સરહદે વાસ્તવિક સિૃથતિ ગંભીર છે એ પણ હું નકારતો નથી.

જયશંકરે કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ચીન સાથે દોકલામ, દેપસાંગ, ચૂમાર એમ વિવિધ સરહદે વિવાદો થયા છે અને દરેક વખતે ઉકેલ વાટાઘાટો દ્વારા આવ્યો છે. આ વખતે પણ એ રીતે જ ઉકેલ આવે એવી આશા છે. પણ તેમણે એ વાતનીય સ્પષ્ટતા કરી હતી કે વાટાઘાટો ત્યારે જ સફળ થશે જ્યારે બન્ને દેશ એકબીજાનું સન્માન કરશે.  એ રીતે તેમણે ઈશારો કર્યો હતો કે ચીન ભારતની ડિમાન્ડ માનતું નથી, કાર્યવાહી કરતું નથી, માત્ર વાતો કરે છે.

બીજા એક બયાનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પણ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે સિૃથતિ થાળે પાડવા માટે સૈન્ય સંપૂર્ણ રીતે પાછુ ખેંચવુ જરૂરી છે. તો બીજી તરફ ચીને સલાહ આપી હતી કે ભારતે આવા નાના-નાના પ્રશ્નોમાં પડવાને બદલે ભારતે મોટું મન રાખીને આગળ વધવું જોઈએ.

ચીને એવી પણ સલાહ આપી હતી કે બોર્ડર ઈસ્યુને સાચી રીતે જોઈને તેનો ઉકેલ લાવવો જોઈએ. એટલે આડકતરી રીતે ચીને ભારતને આ મુદ્દે ચીન કહે એમ કરવા કહ્યું હતું. ચીને કહ્યું હતું કે સરહદી માથાકૂટની અસર બન્ને દેશના સબંધો પર ન થવી જોઈએ. ભારતે ચીન સાથે અનેક વેપારી પ્રતિબંધો મુક્યા પછી ચીને આ વાત કહી હતી.

ચીન મે મહિનાથી લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલના કેટલાક બફર વિસ્તારમાં ઘૂસ્યું છે. એ પછી ભારતની ડિમાન્ડ પ્રમાણે ચીની સૈન્ય પાછું હટવા તૈયાર નથી. જયશંકરે કહ્યું હતું કે લશ્કરી અને ડિપ્લોમેટિક એમ બન્ને મોરચે વાટાઘાટો દ્વારા ચીન સાથેના સંઘર્ષનો ઉકેલ કરવાનો પ્રયાસ ચાલી જ રહ્યો છે. વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવો એ જ આપણી  પ્રાથમિકતા પણ છે. 1962માં ભારત-ચીન વચ્ચે ભીષણ જંગ થયો હતો, જેમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ હતી. એ પછી મે-2020માં પહેલી વખત ભારત-ચીન સરહદે હિંસક સંઘર્ષ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.