– કેન્દ્રીય ચૂંટણીપંચ ટૂંકમાં જ ગાઇડલાઇન જાહેર કરશે
– મતદાન કર્યા પછી સેનેટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કોરોનાનો દર્દી પોસ્ટલ મત નાંખી શકશે તેવી વિચારણા
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલાં પક્ષપલટા પછી ખાલી પડેલી આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે. આ પેટાચૂંટણી માટે કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચમાં ધમધમાટ શરૂ થયો છે.
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી એસ.મુરલી ક્રિષ્ણાએ કેન્દ્રીય ચૂંટણીપંચને 20થી વધુ સૂચનો સાથે રિપોર્ટ મોકલ્યો છે.ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં પેટાચૂંટણીનું એલાન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ગુજરાતમાં ડાંગ, કપરાડા , મોરબી , ગઢડા , લિંબડી , ધારી , કરજણ અને અબડાસા બેઠક પર પેટાચૂંટણી યોજાનારી છે.કેન્દ્રીય ચૂંટણીપંચે વિડીયો કોન્ફરન્સ કરીને દેશના તમામ મુખ્ય નિર્વાચિન અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
રાજ્ય ચૂંટણી પંચે પણ ચૂંટણીને લગતાં સૂચનો કેન્દ્રીય ચૂંટણીપંચને મોકલી આપ્યા છે. આ વખતે રાજકીય પક્ષોને પેટાચૂંટણીમાં પ્રચાર કરતાં આંખે પાણી આવશે કેમકે, કોરોનાની મહામારીને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેરસભા અને રેલી પર પ્રતિબંધ મૂકી શકે છે. આ ઉપરાંત કાર્યકરોની ભીડ ન થાય તે માટે પણ નિયમ લાગુ કરવામાં આવશે.
ઇવીએમનો મતદાર દ્વારા વારંવાર ઉપયોગ થતા કોરોનાનું સંક્રમણ થવાની દહેશત છે. ઇવીએમમાં મતદાન કર્યા બાદ તરત જ મતદારે સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. મતદાન મથક પર પણ સોશિયલ ડિસટન્સનું કડકપણે પાલન થાય તે દિશામાં આયોજન કરવામાં આવશે.
કોરોનાના દર્દી પોસ્ટલ બેલેટથી મત નાંખી શકે તે અંગે પણ કેન્દ્રીય ચૂંટણીપંચે વિચાર્યુ છે. વધુ ભીડ ન થાય તેના પગલે મતદાન મથકોની સંખ્યામાં ય વધારો કરાશે. ટૂંક જ સમયમાં કેન્દ્રીય ચૂંટણીપંચ મતદાનથી માંડીને પ્રચાર સુધી નવી
ગાઇડલાઇન બહાર પાડે તેમ છે.આ વખતે પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સોશિયલ મિડિયાના સહારે જ પ્રચાર કરવો પડશે.
મતદાર સાથે સંપર્ક કરવો અઘરો બન્યો છે એટલે નેતાઓ માથુ ખંજવાળી રહ્યાં છે. ઓગષ્ટમાં પેટાચૂંટણી જાહેર થાય તેવી આશાએ ભાજપ-કોંગ્રેસે મૂરતિયા પસંદ કરવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપ-કોંગ્રેસે જે તે બેઠકોમાં સ્થાનિક આગેવાનો-કાર્યકરો સાથે જમણવાર સાથે બેઠકો શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.