ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કહ્યું- “ચીનની ધમકીઓથી અમે બિલકુલ ડરવાના નથી”

ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ મહામારી મામલે તપાસની માંગ કરી તેથી રોષે ભરાયેલું ચીન તેના વિરૂદ્ધ વ્યાપારને હથિયાર બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરૂવારે તેઓ ચીનની ધમકીઓથી ડરવાના નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું.

ચીને છેલ્લા બે મહીના દરમિયાન ઓસ્ટ્રેલિયાને આર્થિક નુકસાન પહોંચાડે તેવા અનેક પગલાં ભર્યા છે. આ કારણે મોરિસનને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેઓ પોતાના મહત્વના વ્યાપારિક ભાગીદાર ચીન દ્વારા નિકાસનું જે નુકસાન થઈ રહ્યું છે તેને કઈ રીતે સહન કરશે.

અમેરિકા અને યુરોપિયન દેશોની સાથે ઓસ્ટ્રેલિયાએ પણ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવા મામલે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી હતી અને ગત મહીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વાર્ષિક બેઠકમાં મહામારીની તપાસના પક્ષમાં મતદાન પણ થયું હતું.

આ કારણે નારાજ થયેલું ચીન ઓસ્ટ્રેલિયાને સતત ધમકીઓ આપીને હેરાન કરી રહ્યું છે. ચીનના શિક્ષણ મંત્રાલયે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસઅર્થે જતા ચીની વિદ્યાર્થીઓને ફરી એકવાર પોતાના નિર્ણય અંગે વિચારણા કરવા કહ્યું હતું. ઓસ્ટ્રેલિયાની એજ્યુકેશન સિસ્ટમ તેની ચોથી સૌથી મોટી નિકાસકાર છે.

આ તરફ ઓસ્ટ્રેલિયાને વિદેશી વિદ્યાર્થીઓના કારણે વાર્ષિક 26 અબજ ડોલરની કમાણી થાય છે. ચીનની ધમકીના કારણે ઓસ્ટ્રેલિયાએ શિક્ષણ ક્ષેત્રે થતી કમાણીનું નુકસાન સહન કરવું પડશે. સ્કોટ મોરિસને જણાવ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા ઓપન માર્કેટનું સમર્થન કરે છે પરંતુ ગમે ત્યાંથી ધમકી મળે તેના જવાબમાં અમે કદી પણ અમારા મૂલ્યોનો સોદો નહીં કરીએ.’

ચીને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાથી બીફની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો અને જવની આયાત પર ભારે ટેરિફ લાગુ કર્યો હતો. ગત સપ્તાહે ચીને પોતાના નાગરિકોને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ન કરવાની ચેતવણી આપી હતી અને ત્યાં એશિયાઈ લોકો વિરૂદ્ધ જાતિવાદી હુમલા વધી ગયા છે તેવું કારણ રજૂ કર્યું હતું.

વિદ્યાર્થીઓ અને પર્યટકોને લઈ ચીને જે ચેતવણી આપી છે તેને મોરિસને હાસ્યાસ્પદ ગણાવીને ચીનના વિદેશ મંત્રાલય અને કેનબરા ખાતેના ચીની દૂતાવાસ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે અને પોતાનો દેશ પર્યટકો-વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત છે તેની ખાતરી આપી છે.

ચીન ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે અને બંને વચ્ચે દર વર્ષે 235 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર્સનો વેપાર થાય છે. બંને દેશ વચ્ચેનો વેપાર ઓસ્ટ્રેલિયાના પક્ષે નમેલો છે અને ચીન વેપાર રોકી દે તો ઓસ્ટ્રેલિયાને ભારે નુકસાન થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.