કોરોનાનો કપરો કાળ તો વીતી ગયો પણ એ સ્વાસ્થ્ય સંભાળ અને સારવારને મોંઘીદાટ કરતો ગયો છે. આજની પરિસ્થિતિ એટલી વિષમ છે કે 108 હોસ્પિટલ પહોંચી નથી કે તુરંત જ ડોક્ટર કહેશે કે સ્થિતિ નાજુક છે અને આટલા હજારનું ઇન્જેક્સ્ન લગાવવું જ પડશે. આવા કપરા સમયમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અત્યારે લોકો માટે આશીર્વાદ રૂપ છે.
આંબાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત કર્મચારીઓનું એક ગ્રુપ શિક્ષણ પ્રેરણા સમિતિ નામે એક સંસ્થા ચલાવે છે. આ સમિતિ દ્વારા આંબાવાડી વિસ્તારના સુખીપુરા, મહેનતપુરા અને ડૉ. આંબેડકર કોલોનીમાં વસતા શ્રમિકોનો એક શૈક્ષણિક અને સામાજિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમ્યાન સમિતિના ધ્યાન પર આવ્યું કે આ વિસ્તારના ઘણા ખરા લોકો આર્થિક રીતે ખુબ ગરીબ હોવા છતાં તેમની પાસે આયુષ્માન કાર્ડ નથી. આવા કુટુંબમાં જયારે પણ મોંઘી સારવાર કરાવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આ પરિવાર આર્થિક રીતે પાયમાલ થઇ જતા હોય છે. આવા લોકોને મદદરૂપ થવાનો સમિતિએ નિર્ધાર કર્યો અને તેમણે સતત એક મહિના સુધી આ વિસ્તારના લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી લોકોના રેશનકાર્ડ, આધાર કાર્ડ વગેરેમાં જરૂરી સુધારા કરાવવા ઉપરાંત લોકોને આવકના દાખલા બનાવડાવવામાં મદદરૂપ થઇ એક આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન આંબાવાડી વિસ્તારમાં કર્યું હતું. આ કેમ્પને નવરંગપુરા વિસ્તારના કોર્પોરેટર હેમંત પરમારે ખુલો મુક્યો હતો. આ સેવા કાર્યમાં અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકી, સહાયક આરોગ્ય અધિકારી ડૉ.ચિરાગ શાહ અને મુકેશ રાઠોડ ઉપરાંત રેશન કાર્ડ ઓફિસ પાલડી, મામલતદાર ઓફીસ વાસણા અને આધાર સીવિક સેન્ટરનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કેમ્પમાં આશરે ૯૬ પરિવારના ૩૫૦ લોકોના આયુષ્માન કાર્ડ બનાવવા માટે રજીસ્ટ્રેશન થયા હતાં. આંબાવાડી વિસ્તારના લોકોએ શિક્ષણ પ્રેરણા સમિતિના આ કાર્યને ખુબ બિરદાવ્યું હતું. આ કાર્યને સફળતાપુર્વક પાર પાડવા માટે સમિતિના ચેરમેન ડૉ. તુલસી સીંગલ, સેક્રેટરી વસંત અંબાલીયા, વિનુ વણોલ, સુરેશ પરમાર, કાનજી વાણીયા, ખોડીદાસ ચૌહાણ અને વ્રજલાલ મહેશ્વરીએ ભારે જહેમત ઉઠાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.