સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ, બહારના ઉમેદવારોનાં નામ જાહેર થતાં,સપાટી પર આવ્યો કાર્યકરોનો અસંતોષ

ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર થતાં જ કાર્યકરોનો અસંતોષ સપાટી પર આવ્યો છે.

અમુક જગ્યાએ જે-તે સમાજના દાવેદારો કપાઇ જતા પણ અસંતોષની આગ ભડકી ઊઠી છે. શહેરના સરથાણા, ઉધના, ડિંડોલી, પુણા, પરવટ પાટિયા અને પાંડેસરા અને ભેસ્તાન વોર્ડમાં કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ શુક્રવારે વોર્ડથી માંડીને ભાજપ કાર્યાલય અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસ સુધી કાર્યકરોના મોરચા પહોંચી જતાં રાજકીય ગરમાગરમી વ્યાપી ગઈ છે.

ઉધના રોડસ્થિત ભાજપ કાર્યાલય પર ગુરુવારની રાત્રે વોર્ડ નં.28 અને 29ના કાર્યકરો દ્વારા મોરચો લાવી રજૂઆત કરાયા બાદ શુક્રવારે સવારે વોર્ડ નં.28 નંબરના વોર્ડમાં દલપતકુંવર દરબારને અપાયેલી ટિકિટ સામે વાંધો ઉઠાવી સ્થાનિક કાર્યકર્તા અને ટિકિટના પ્રબળ દાવેદાર કિરણદાસ પણ કાર્યકરોનાં ટોળાં સાથે ભાજપ કાર્યાલય પર આવી ધરણાં પર બેસી ગયા હતા.

ગઈકાલે રાત્રે રાજુ કોઠારી નામના કાર્યકરને ભાજપ કાર્યાલય ખાતે બોલાવાયો હતો પરંતુ હજુ સુધી કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી. સંભવત: આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

વોર્ડ બહારના ઉમેદવાર નિરાલાસિંહ રાજપૂતને અપાયેલી ટિકિટ સામે પણ વાંધો ઉઠાવાયો છે. તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક ગુજરાતી મતદારો હોવા છતાં તેની અવગણના કરી હોવાની લાગણી કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે ઉપરાંત તમામ ઉમેદવારો વોર્ડ બહારના હોવાની વાતથી પણ સ્થાનિક લોકોમાં નારાજગી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વોર્ડ નં.28 (પાંડેસરા-ભેસ્તાન)ના કાર્યકર્તાઓએ પણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકર્તાઓના કહેવા મુજબ આ વોર્ડમાં રાજસ્થાની સમાજની વસતી ઘણી ઓછી છે. આમ છતાં અહીં દલપતકુંવર નરપતસિંહ દરબારને ટિકિટ આપવામાં આવી છે.

 પડ્યું
વોર્ડ નં.3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણામાં બહારના ઉમેદવારો બાબતે ઘમાસાણ ચાલી રહ્યું છે. વોર્ડના કાર્યાલયમાં ઘૂસીને નારાજ કાર્યકરોએ પેઇજ કમિટીના સાહિત્ય સળગાવ્યા બાદ મોડી રાત સુધી ઘમાસાણ ચાલ્યું હતું. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને એવું કહી દીધું હતું કે, સ્થાનિક ધારાસભ્યોએ સૂચવ્યા મુજબ નિર્ણય લેવાયો છે. તેથી અહીંના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા કફોડી સ્થિતિમાં મુકાયા છે.

વોર્ડ નં.24 (ઉધના-દક્ષિણ)માં પણ વોર્ડ બહારના ઉમેદવાર મુદ્દે કાર્યકરો રજૂઆત કરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસ પહોંચ્યા હતા. અહીં ટિકિટનો દાવો કરનાર ભાયાભાઈ વી. ચૌહાણ 25 વર્ષ જૂના કાર્યકર્તા છે.

કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ વોર્ડ નં.17ના એક ઉમેદવાર કામરેજ તાલુકાના મહામંત્રી છે. છતાં અહીંથી ટિકિટ આપી છે. વળી, અન્ય ત્રણેય અમરેલી જિલ્લાના વતની છે. આમ છતાં એક ભાવનગર જિલ્લાના બતાવાયા છે.

વોર્ડ નં.18 (લિંબાયત-પરવટ-કુંભારિયા)માં સ્થાનિક કાર્યકર અને પૂર્વ વોર્ડ પ્રમુખ રમેશ રબારીની ટિકિટ કપાતાં તેના ટેકેદારો વિરોધ કરી રહ્યા છે. તમામ કાર્યકારો રાજીનામાં આપવા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.