રાજ્યમાં શુક્રવારે ત્રણ અલગ અલગ સ્થળેથી પોલીસ કર્મીઓ લાંચના ગુનામાં ઝડપાયા છે. પોલીસ કર્મીઓ લાંચ માંગવાને લઈ ગોઠવવામાં આવેલ અલગ અલગ ટ્રેપમાં એસીબીએ ઝડપી લીધા છે. આવી જ રીતે બનાસકાંઠામાં પણ એસીબીને એક ભ્રષ્ટાચારી પોલીસ કર્મીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચના છટકામાં ઝડપાયો છે. છેવાડાના ગ્રામ્ય અને સરહદી વિસ્તારોમાં પણ લોકો ભ્રષ્ટાચારને લઈ પરેશાન છે. આવી જ રીતે બનાસકાંઠામાં વધુ એકવાર એસીબીએ ટ્રેપ વડે સરકારી કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો છે. એસીબીને મળેલી ફરિયાદ આધારે ટ્રેપ ગોઠવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો.
અરજી નિકાલ માટે લાંચ માંગી
સુઈગામ પોલીસ મથકમાં ફરિયાદીના વેવાઈના વિરુદ્ધમાં એક અરજી થઈ હતી. અરકજી સંદર્ભે કાર્યવાહીને લઈ વેવાઈ મળવા ગયા હતા. જેને લઈ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ તલોજ વિહાભાઈ વેણ દ્વારા સમાધાન કરાવીને અરજીનો નિકાલ કરાવી આપવાની વાત કરવામાં આવી હતી. જે માટે જોકે તલોજ વેણ દ્વારા તેમની પાસેથી જ લાંચની રકમ માંગવામાં આવી હતી.
ટાઉન બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ તલોજ વેણ દ્વારા વેવાઈની અરજીના સમાધાન કરીને નિકાલ કરવા માટે વેવાઈ પાસે 8000 રુપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી. આમ લાંચની રકમ માંગવાને લઈ બંને વેવાઈએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ બનાસકાંઠા એસીબી પીઆઈ એનએ ચૌધરી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે લાંચની રકમ લેવા માટે તલોજ વેણ અને ફરિયાદી બેણપ ગામે મળ્યા હતા. જ્યાં લાંચની માંગ કરીને 8 હજાર રુપિયા સ્વિકાર કરતા જ ઝડપાઈ જવા પામ્યા હતા.
એક જ દિવસમાં 4 પોલીસ કર્મી સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી
પાકિસ્તાન બોર્ડરથી લઈને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર સુધી એસીબીએ શુક્રવારે સપાટો બોલાવ્યો છે. એસીબીએ શુક્રવારે ત્રણ અલગ અલગ ટ્રેપમાં ભ્રષ્ટાચારી કર્મચારીઓને ઝડપી લીધા છે. જેમાં વલસાડની બામણપૂજા ચેકપોસ્ટ પર લાંચની માંગણી કરતા પોલીસ કર્મી દયાનંદ ગામીત સામે ગુનો નોંધાયો છે.
જ્યારે બીજો ગુનો હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા RPF કોન્સ્ટેબલ ચેહર રબારી અને મુસ્તાક ડોડીયાએ 20000 ની લાંચ માંગી હતી. જેમાં મુસ્તાક ડોડીયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે ચેહર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જ્યારે ત્રીજી ટ્રેપ બનાસકાંઠાના સુઈ ગામે થઈ હતી. જ્યાં હેડ કોન્સ્ટેબલ તલોજ વેણને ઝડપી લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.