અમદાવાદ માં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ છે: જાણો કયા રોડ બંધ રહશે, કયા છે વૈકલ્પિક

BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. આ ભવ્ય ઉજવણી દરમિયાન શહેરમાં વાહનોને અવરજવરમાં સરળતા રહે તે માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કયા રોડ બંધ રહેશે અને ક્યા વૈકલ્પિક રસ્તા છે તેને લઈને જાણકારી આપી છે.

ટ્રાફિક પોલીસનું જાહેરનામું

અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદના સિનિયર અધિકારીઓની મિટિંગ મળી હતી. કાર્યક્રમના આયોજનના પગલે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાબરમતી જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે એસપી રિંગ રોડના નાના ચિલોડાથી અપોલો સર્કલ બાજુંના રોડ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. જ્યારે અમદાવાદમાંથી આવતા વાહનો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક નજીક પરિમલ હોસ્પિટલ આગળના ખાનગી પ્લોટમાં ટૂ-વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ તેને લઈને કાર્યરત આ રૂટ પર અવરજવર બંધ રહેશે

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સીથઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

મુંબઇ-અમદાવાદનું એરફેર 3 ગણું વધીને રૂપિયા 10 હજાર : ટ્રેનમાં પણ વેઇટિંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતી કાલે 7 ડિસેમ્બરના બીએપીએસ દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી સેંકડો ભક્તોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. સામાન્ય રીતે દિલ્હી-અમદાવાદનું વન-વે એરફરે રૂપિયા 4500ની આસપાસ હોય છે. પરંતુ 7 ડિસેમ્બરની વહેલી સવારથી બપોર સુધીની ફ્લાઇટના ભાડા રૂપિયા 18 હજારથી રૂપિયા 23 હજારની આસપાસ છે. આ સિવાય મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 6 હજારથી રૂપિયા 10 હજાર જેટલું થઇ ગયું છે. સામાન્ય રીતે મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 3 હજારની આસપાસ હોય છે. મુંબઇ-અમદાવાદ માટે વંદે ભારતમાં 50 જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં 70થી વઘુ વેઇટિંગ છે.

આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે

આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ આપશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેક્નોલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. 7મી ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
10 હજાર કાર્યકરોના ઉતારા માટે બિલ્ડરોએ મકાન ફાળવાયા

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે એક લાખ કાર્યકરો આવશે. આ પૈકી 10 હજાર જેટલા કાર્યકરોના ઉતારા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ અને મકાન ફાળવી આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.