બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા આજે સુરતના પુણા વિસ્તારમાં તળાવ ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા ગયા હતા. તેઓ પોતાના સાથી મિત્રો સાથે આઇસોલેશન સેન્ટર પર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન આ પ્રકારે કોઈ વિરોધ કરશે તેવું કલ્પનાએ કોઈ કરી ન હોય તેવી સ્થિતિમાં પ્રભુ વસાવા મુકાઈ ગયા હતા. એક જ તેમને લઈને ઉગ્ર શબ્દોથી તેમના રીતસરના ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે, બીજી લહેર પૂરી થઈ ગઈ ત્યારે આવ્યા છો શરમ આવી જોઇએ તમને.
તમારી માટે કામ કરતા લોકોની પણ ચિંતા ન કરીઃ કાર્યકર ;
આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા ગયેલા સાંસદ પ્રભુ વસાવાને મહેશ હિરાપરા નામના વ્યક્તિએ બધાની વચ્ચે જ ખખડાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, બીજી લહેર પૂરી થઇ ગયા બાદ આવ્યા છો, અત્યાર સુધી તમે ક્યાં હતા, તમને શરમ આવવી જોઈએ. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા કરી નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા. મહેશ હિરાપરા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે.
સાંસદની સંવેદનાને ઔપચારિકતામાં લીધી ;
પ્રભુ વસાવાએ મહેશ હીરાવાળાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સાંસદને તેમની કોરોના સંક્રમણ દરમિયાન નબળી કામગીરીની ઝાટકણી કાઢી નાખી હતી. પ્રભુ વસાવા બોલતા રહ્યા કે તમે તમારા સ્વજનો ગુમાવ્યા છે. તેની હું લાગણી સમજી શકું છું પરંતુ મહેશ હીરાપરાએ તેમની સંવેદનાની વાતને જાણે માત્ર એક ઔપચારિકતામાં લીધી હતી.
સાંસદ પ્રભુ વસાવા વીલા મોઢે પરત ફર્યા ;
બારડોલી લોકસભા મત વિસ્તારમાં સુરતના પુણા વિસ્તારનો મોટો ભાગ સમાવિષ્ટ છે. પોતાના મત વિસ્તારમાં આજે પ્રભુ વસાવા આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓના હાલચાલ પૂછવા અને વ્યવસ્થા અંગે માહિતી મેળવવા ગયા હતા. તે જ સમયે પૂના ખાતે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણકાળના એક વર્ષનો સમય વીતી ગયા બાદ બીજી લહેરના અંતે સાંસદ અને પોતાના મતવિસ્તારમાં જોતા સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો. તેમણે સાંસદની ગરીમા જાળવ્યા વગર રીતસરના તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવી દીધું હતું. સાંસદ પ્રભુ વસાવાના ચહેરા ઉપર પોતાનો થઈ રહેલા અપમાનનો ભાવ સ્પષ્ટ જોવા મળતો હતો. આઇસોલેશન સેન્ટરમાંથી સાંસદ પ્રભુ વસાવા વીલા મોઢે પરત ફર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.