બસપા UPની સત્તામાં પાછી ફરશે તો પરશુરામની મૂર્તિ બનાવશેઃ માયાવતી

 બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ જણાવ્યું કે, કોરોનાને અનુલક્ષીને રાજ્ય, કેન્દ્ર સરકારની ખામીઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં બસપાની સરકાર બનશે તો હોસ્પિટલ અને રોકાવા માટેની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. માયાવતીએ કહ્યું કે, યુપીમાં બસપાની સરકાર બનશે તો બ્રાહ્મણ સમાજની આસ્થાના પ્રતીક પરશુરામ અને તમામ જાતિઓ, ધર્મોમાં જન્મેલા મહાન સંતોના નામથી હોસ્પિટલ અને રોકાવા માટેની સુવિધાનું નિર્માણ કરવામાં આવશે.

માયાવતીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ચાર વખત સત્તામાં આવેલી બસપા સરકારે તમામ વર્ગના મહાન સંતોના નામ પર અનેક જનહિત યોજનાઓ શરૂ કરેલી અને જિલ્લાઓના નામ રાખેલા. પરંતુ બાદમાં સપા સરકારે જાતિવાદી માનસિકતા અને દ્વેષની ભાવના અંતર્ગત તે નામ બદલી નાખ્યા હતા. બસપા સરકાર ફરી સત્તામાં આવશે તે સાથે જ તેને ફરી પુનઃસ્થાપિત કરવામાં આવશે.

માયાવતીએ કહ્યું કે, જો સમાજવાદી પાર્ટીની સરકારને પરશુરામની પ્રતિમા લગાવવી જ હોત તો પોતાના શાસન કાળ દરમિયાન જ લગાવી દેત. બસપા કોઈ પણ મામલે સપાની જેમ માત્ર વાતો નથી કરતી પરંતુ કરીને પણ બતાવે છે. બસપાની સરકાર બનશે તો સપાની તુલનાએ પરશુરામની ખૂબ જ ભવ્ય મૂર્તિ લગાવવામાં આવશે.

બસપા પ્રમુખે કહ્યું કે, પાંચમી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન તે દિવસે દલિત સમાજ સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને સાથે લઈને અયોધ્યા જાત તો સારૂં રહેત. ઉપરાંત કેટલાક દલિત સંતો પણ પોતાને આમંત્રણ ન મળ્યું હોવાની ફરિયાદ કરતા હતા. દલિત સંતોને બોલાવ્યા પરંતુ રાષ્ટ્રપતિને પણ બોલાવી લેત તો સારો સંદેશો મળેત.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.