શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે આ સમયે પાંચ દિવસીય ભારતયાત્રા પર છે. તેઓએ શનિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન બંને દેશો વચ્ચે સંયુક્ત આર્થિક પરિયોજનાઓ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી વધારવા, સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
રાજપક્ષે વડા પ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી વિદેશયાત્રા છે.
તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરી પીએમ મોદી અને તેમની વચ્ચેની મુલાકાત પર ખુશી વ્યક્ત કરાઈ હતી અને આ મુલાકાતથી સહયોગના નવા રસ્તા બનાવવાની અને સંબંધોને મજબૂત કરવાની પણ વાત કરાઈ.
ભારત અને શ્રીલંકા વચ્ચે દેખાઈ રહેલા મજબૂત સંબંધ અને સહયોગ તેનાં અનુમાનોથી સાવ વિપરીત છે, જે શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે કરાતાં હતાં.
નવેમ્બર 2019માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટોભાયા રાજપક્ષેનો મુકાબલો તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે હતો, જેમાં ગોટોભાયાએ જીત મેળવી હતી.
મહિંદા રાજપક્ષેને ચીનની નજીકના માનવામાં આવે છે. તેમના ભાઈ ગોટોભાયા રાજપક્ષે પણ ચીન તરફ ઝૂકાવ ધરાવતાં હોવાનું કહેવાય છે.
એવા સમયે ભારત માટે શ્રીલંકા સાથેના સંબંધો સકારાત્મક દિશામાં લઈ જવા મુશ્કેલ રહેશે એવું લાગતું હતું.
ચીન શ્રીલંકામાં સતત પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે અને શ્રીલંકામાં તેનું સ્વાગત પણ થયું છે.
આવા સમયે શ્રીલંકાની વિદેશનીતિ ચીન અને ભારતમાંથી કોના તરફ ઝૂકશે એ કહેવું મુશ્કેલ હતું. પરંતુ હવે સ્થિતિ જુદી નજર આવી રહી છે. વર્તમાન સ્થિતિ જોઈએ તો શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાને પહેલી વિદેશયાત્રા ભારતની કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.