ચૂંટણીમાં ઈવીએમ ન વાપરવાના આંદોલન સાથે ઈવીએમ હટાવવા મામલે પદયાત્રાએ નીકળેલા ઓમકારસિંહ ધિલ્લોન માને છે કે, ભાજપ દ્વારા ઈવીએમમાં મોટાપાયે ગોટાળા કરીને ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે. ત્યારે ઈવીએમના સ્થાને દેશની તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી જ યોજાવી જોઈએ.
ઉત્તરાખંડથી શરૂ કરેલી પદયાત્રા આગામી વર્ષે માર્ચમાં દિલ્હીના રાજઘાટ ખાતે સવા છ હજાર કિલોમીટરની સફર સાથે પૂર્ણ થશે. ઓમકારસિંહ ધિલ્લોને વાતચીતમાં તેમની પદયાત્રા વિશે વાત કરતાં કહે છે કે, ઉત્તરાખંડથી શરૂ કરેલી આ પદયાત્રા ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાતમાં પહોંચ્યો છું. પદયાત્રાના 1600 કિલોમીટર પૂરાં થયાં છે. અને તમામ રાજ્યોમાં લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને લોકોનું પણ માનવું છે કે, ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ. કેમ કે, ઈવીએમના કારણે ઘણાં ગોટાળા કરવામાં આવી રહ્યા છે. અને ભાજપ દ્વારા વર્ષ 2016-17માં યોજાયેલી ઉત્તરપ્રદેશની ચૂંટણીથી જ ઈવીએમમાં છેડછાડ કરીને પ્રચંડ બહુમતી મેળવવામાં આવી છે.
ઈવીએમમાં છેડછાડ કરી હોવાના પુરાવા અંગેના સવાલમાં ધિલ્લોન કહે છે, આવા કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ આ એક દેખીતું કૌભાંડ છે. અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય એની સાથે ગેરરીતિ કરવી સરળ હોય છે. અને ભાજપ દ્વારા આ મશીનોનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, નક્કર પુરાવા ન હોવાના કારણે ભાજપને ફાવતું મળી ગયું છે. અને તે વિવિધ ચૂંટણીઓ આસાનીથી જીતી જાય છે. અને ચૂંટણી પંચ તેમ જ સુપ્રીમ કોર્ટ પણ નક્કર પુરાવા ન હોવાના કારણે તેમાં ગરબડ થઈ હોવાની વાત સ્વીકારતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.