ભાજપ/ રૂપાણી સરકાર કહે છે અમને દંડની નહીં, જનતાના જીવની ચિંતા છે, તો 5100 કરોડનો ટાર્ગેટ કેમ?

રાજ્ય સરકારના વાહન વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, 5,100 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક આ વર્ષે RTOને આપવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમને 9-9 લાખ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ પરિપત્ર પરથી એવું લાગી રહ્યું છે કે, સરકાર બે મોઢાની વાત કરી રહી છે. એક તરફ સરકાર એમ કહે છે કે, નવા નિયમો વાહન ચાલકોની સુરક્ષા માટે છે અને બીજી તરફ આ પ્રકારના ટાર્ગેટ RTOને આપીને પોતાની તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ પરિપત્રના સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યું છે કે, ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અધિકારીઓએ સતત ચેકિંગ કરવાનું રહેશે.

આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019-20ના નાણાંકીય વર્ષ માટે વાહન વ્યવહાર વિભાગના 5,100 કરોડ લક્ષયાંકની ફાળવણી કરવામાં આવી છે. અત્રેની કાચેરીને 138.18 લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષયાંકની ફાળવણી કચેરીઓની ક્ષમતા, વસુલાત ચેકિંગ અધિકારીઓની ક્ષમતા તેમજ ભવિષ્યની આવકની શક્યતાઓને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ લક્ષયાંકને ધ્યાનમાં લેતા અત્રેની કચેરીમના મોટર વાહન નિરીક્ષક તથા સહ મોટર વાહન નિરીક્ષકને 9 લાખ રૂપિયાના ટાર્ગેટ પુરા કરવાના રહેશે.

અત્રેની કચેરીના મોટર વાહન નીયામક અને સહ મોટર નિરીક્ષકે તેમને આપેલો લક્ષયાંક પૂર્ણ કરવા માટે તેમની ટીમો 24 કલાક 365 દિવસ લીસ્ટમાં દર્શાવેલા ચેક પોઈન્ટ પર કાર્યરત રહેશે. તેમજ ચેકિંગ અધિકારીઓની ટીમ દ્વારા પ્રતિદિન 8-8 કલાકની કામગીરી કરવાની રહેશે. સ્થળ પર જણાવ્યા મુજબની વસુલાતની માહિતી રોજ-રોજ વાહન 4.0 અને ઈ-ચલણમાં અપલોડ કરવાની રહેશે. તેમજ કામગીરીનો અહેવાલ RTO સમક્ષ રજૂ કરવાનો રહેશે.

વધુમાં જણાવવાનું કે, સરકાર રેવન્યુ બાબતે ગંભીર હોય અને અત્રેની કચેરીના મોટર વાહન નિરીક્ષક અને સહ મોટર વાહન નિરીક્ષકને રજા પર જવું નહીં તેમજ વડુ મથક છોડવું નહીં. દરેક અધિકારીઓને પોતાનો ચેકિંગ લક્ષયાંક પૂર્ણ કરવા માટે સતત ચેકિંગ કરવાનું રહેશે. જે અધિકારીની કામગીરી નબળી હશે તેની નોંધ વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં કરવામાં આવશે તેમજ વાહન વ્યવહાર કમીશનર ગુજરાત રાજ્ય ગાંધીનગરને લેખિતમાં રિપોર્ટ કરવામાં આવશે. આ સાથે સામેલ લીસ્ટ પ્રમાણે તમામ ચેકિંગ અધિકારીઓએ સ્થળ અને સમય પ્રમાણે ચેકિંગની કામગીરી આજથી જ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.