નાગરિકતા સંશોધન કાયદા 2019ની વિરુદ્ધ હવે બીજેપીની અંદર જ વિરોધનો સૂર ઊભો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીના ઉપાધ્યક્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ એ સવાલ ઉઠાવ્યો કે કાયદામાં મુસ્લિમોને સામેલ કેમ નથી કરવામાં આવ્યાં? સી.કે. બોઝે નાગરિકતા કાયદાના સમર્થનમાં પશ્ચિમ બંગાળમાં સોમવારે બીજેપીની રેલી બાદ ટ્વિટ કર્યું કે જો સીએએ 2019નો કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી તો અમે માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈનની વાત કેમ કરી રહ્યા છો? સરકારે પારદર્શિતા રાખવી જોઈએ.
‘ભારતમાં બધા ધર્મો અને સમુદાય માટે છે સ્થાન’
સી.કે. બોઝે કહ્યું કે ભારતમાં તમામ ધર્મો અને સમુદાયો માટે સ્થાન છે. તેથી ભારતની કોઈ પણ દેશ સાથે તુલના ન કરવી જોઈએ. નાગરિકતા કાયદા 2019માં મુસ્લિમોને સામેલ કરવામાં કોઈ નુકસાન નથી. જો મુસ્લિમોનો તેમના દેશમાં અત્યાચાર થતો નથી તો તેઓ ક્યારેય ભારત નહીં આવે. જોકે, એ પણ પૂરું સત્ય નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેનારા બલોચોનું શોષણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે.
બીજી ટ્વીટમાં બોઝે લખ્યું કે, ભારતની કોઈ અન્ય દેશ સાથે તુલના કે બરાબરી ન કરવી જોઈએ, કારણ કે અહીં તમામ ધર્મો અને સમુદાયોનો ખુલ્લો દેશ છે. ભાજપમાંથી આ કાયદાની વિરુદ્ધ અવાજ ત્યારે ઊઠ્યો છે જ્યારે બીજેપી સોશિયલ મીડિયા પર મોટા પાયે આ કાયદાને લઈ જાગૃતતા અભિયાન ચલાવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.