ગાયક અદનાન સામીને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપવાની ઘોષણા કરતાં જ વિવાદના સૂર રેલાવા માંડયા છે. કોંગ્રેસે આને ચમચાગીરીનો જાદુ ગણાવતા સામી ભડક્યા છે. ભાજપ એમ કહે છે કે કોંગ્રેસે જ અગાઉ સામીને નૌશાદ પુરસ્કાર આપેલો છે. તેના પિતા અરશદ સામી ખાન પાકિસ્તાની એરફોર્સમાં પાઇલટ હતા, ભારત સામે તેણે યુદ્ધ પણ લડેલું. ૧૯૬૫ના યુદ્ધમાં ભારતીય સૈનિકોનાં મોત માટે સામીના પિતાને જવાબદાર ગણાવી વિપક્ષો સામીને અપાયેલા પદ્મશ્રી બદલ આલોચના કરી રહ્યા છે પરંતુ સામી એમ કહે છે કે મારી અંદર હિન્દુસ્તાની આત્મા છે.
સામીને ભારતીય નાગરિકતા મળી ત્યારે પાકિસ્તાનમાં તેને ગદ્દાર ગણાવી બહુ ટ્રોલ કરાયા હતા. ભડકેલા અદનાને ત્યારે ખુલાસો કરેલો કે મારા પિતા ૧૯૪૨માં ભારતમાં જન્મેલા અને ૨૦૦૯માં મૃત્યુ પણ ભારતમાં જ પામેલા. પણ, તેના પિતાએ પાકિસ્તાન તરફથી ભારત સામે લડેલી લડાઈનો મુદ્દો આજે ફરી ઘમસાણ મચાવી રહ્યો છે.
આ પહેલાં તેની પત્નીએ તેના પર કરેલા ઘરેલુ હિંસાના કેસે ચર્ચા સર્જેલી. સામીએ ૪ શાદી કરી છે, જેમાં એક જ યુવતી સાથે તેણે બે વખત શાદી કરેલી. ૨૨ વર્ષની વયે તેણે ફિલ્મ અભિનેત્રી ઝેબા બખ્તિયાર સાથે નિકાહ કરેલા, પાંચ વર્ષ બાદ તલાક લઈ તેણે દુબઈની પરિણીત બિઝનેસવૂમન અરબ સબાહ ગલાદરી સાથે એટલી ગુપ્તતાથી નિકાહ કર્યા કે ૨૦૦૪માં તેના નિકાહ અને તલાક બંનેની જાણ લોકોને એકસાથે જ થઈ. ૩ વર્ષ બાદ બંનેએ ફરી નિકાહ કર્યા. ફરી ઝઘડયા અને હવે ઘરનો ઝઘડો અદાલતમાં પહોંચ્યો. મિયાં-બીવી નહીં રાજી- તો ક્યા કરેગા કાજી. બે વર્ષે બંને ફરી છુટ્ટાં પડયા ! અત્યારે ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર રોયા સાથે તે ઠરીને ઠામ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.