ભાજપ કોંગ્રેસ વચ્ચે અમદાવાદ મ્યુનિ. બોર્ડમાં થઈ જપાજપી, બનાવી દીધો મચ્છી માર્કેટ જેવો માહોલ

અમદાવાદ મ્યુનિ. બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં સીએએના મુદ્દે ભાજપ- કોંગ્રેસ વચ્ચે ભારે હંગામો મચી જતા બોર્ડના અધ્યક્ષ મેયર બિજલ પટેલે એજન્ડા પરના કામો હાથ પર લઈ ઝડપથી બેઠકને આટોપી લીધી હતી. ભાજપના કોર્પોરેટરો આક્રમક રીતે કોંગ્રેસની બેઠક વ્યવસ્થા તરફ ધસી ગયા હતા અને ‘વી સપોર્ટ સીએએ’ના નારા લગાવ્યા હતા. એક તબક્કે તો ઘક્કામુક્કી થઈ હતી અને સામસામે ફાઇલો ઉછળી હતી.

આ અંગેની વિગત એવી છે કે એક તરફ દાણીલીમડાના તોફાનોમાં પકડાયેલા કોર્પોરેટર શહેજાદખાન પઠાણ પોલીસ પહેરા હેઠળ બોર્ડમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યારે બીજી તરફ બોર્ડના પ્રારંભે મેયરે ભાજપના નેતા અમિત શાહને બોલવાનું કહેતા તેમણે આક્રમક શરૂઆત કરતા કહ્યું હતું કે, દિલ્હીના શાહીનબાગમાં જ્યાં દેશ વિરોધી નારા લાગે છે, વડાપ્રધાનને અને ગૃહપ્રધાનને ગોળી મારવાની વાતો કરાઈ છે, હિન્દુ વિરોધી ઉચ્ચારણો થાય છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ગૃહના સભ્ય ઇમરાન ખેડાવાળાને ત્યાં જઈને ભાષણો કરે છે. આ તબક્કે ભાજપના કોર્પોરેટરો સેમ… સેમ…ના પોકારો કરી ‘વી સપોર્ટ સીએએ’ લખેલા પ્લેકાર્ડ કાઢી દેખાવો શરૂ કરી દીધા હતાં

બીજી તરફ ઇમરાન ખેડાવાળા માઇક પર ખુલાસો કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે ગૃહમાં ભારે હો…હા શરૂ થઈ હતી. એક તબક્કે તો કોણ શું બોલે છે, તે જ સાંભળી શકાતું ના હતું. ખેડાવાળા મેયર મને પ્રોટેક્શન આપો મારે મારી વાત મૂકવી છે, તેમ કહેતાં હતાં. આવી બાબત સાબિત થાય તો હું ધારાસભ્ય અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવા તૈયાર છું, તેટલું અવાજો વચ્ચે બોલ્યા હતા પણ પછી તો ફાઇલો ઉડવાની અને ધક્કામુક્કી કરવાનું ચાલુ થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.