દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચુક્યું છે અને એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનાં સંકેત મળી રહ્યા છે. તો ચૂંટણી પરિણામો પહેલા જ AAP નેતા સંજય સિંહે ઈવીએમને લઇને પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. સાથે જ સંજય સિંહે કહ્યું છે કે દિલ્હીમાં 70 વિધાનસભા છે, પરંતુ 24 કલાક બાદ પણ વોટિંગ પર્સેંટ જાહેર નથી થયા. ચૂંટણી પંચ સ્પષ્ટ કરે કે આટલું મોડું કેમ? સંજય સિંહ ઉપરાંત દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આ બિલકુલ ચોંકાવનારું છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનનાં અનેક કલાક બાદ પણ મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.’ તો સંજય સિંહે કહ્યું છે કે, ‘ભારતીય જનતા પાર્ટીએ દાળમાં કંઇ કાળું કર્યું છે તો જણાવી દો, EVMમાં કંઇક ગોટાળો કર્યો છે તો બીજેપીવાળા જણાવે. 70 વર્ષનાં ઇતિહાસમાં કેટલું મતદાન થયું તે ચૂંટણી પંચ જણાવવા માટે તૈયાર નથી. કંઇક રમત રમાઈ રહી છે. અંદરને અંદર કંઇક પકવવામાં આવી રહ્યું છે.’
આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહે કહ્યું કે, પરિણામોને લઇને શાશ્વત છીએ કે 2015નો રેકોર્ડ તૂટશે. તેમણે કહ્યું કે, “અમે સકારાત્મક મુદ્દાઓ પર ચૂંટણી લડી. બીજેપીએ નફરતની રાજનીતિ કરી. શાહીન બાગ અને ખબર નહીં, કયા કયા મુદ્દાઓ ઉઠાવ્યા. 2020નાં પરિણામો ગત ચૂંટણી કરતા સારા હશે.” આમ આદમી પ્રદેશ પ્રભારી સંજય સિંહે એક્ઝિટ પોલનાં પરિણામનો જોતા કહ્યું કે, “આનો શ્રેય અરવિંદ કેજરીવાલને જાય છે. 5 વર્ષનાં કામ પર વોટ માંગ્યા. જો ઈવીએમને લઇને કોઈ તસવીર સામે આવે છે તો ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવવા ખોટું છે શું? એક વિડીયો સામે આવ્યો તો અમે ચૂંટણી પંચને જાણ કરી. આ પહેલા પણ અમે ચૂંટણી બાદ સોન્ગ રૂમની બહાર કાર્યકર્તા ગોઠવ્યા હતા. સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા અમારો અધિકાર છે.”
દિલ્હીમાં શનિવારનાં વિધાનસભા ચૂંટણી માટે 61.46 ટકા મતદાન થયું. આ 2015માં થયેલી ચૂંટણીનાં 67.57 ટકા મત ટકાવારી કરતા ઓછુ છે. એક્ઝિટ પોલનું માનીએ તો વિકાસનાં મુદ્દા પર ચૂંટણી લડનારી આપને સરળતાથી જીત મળતી જોવા મળી રહી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે સાંજે 6 વાગ્યા સુધી મતની ટકાવારી 57.04 ટકા હતી, ત્યારબાદ લાઇનમાં ઉભેલા લોકોએ મતદાન કરતા મત ટકાવારી વધીને 61.46 ટકા પહોંચી. ચૂંટણી પંચનાં અધિકારીઓએ કહ્યું કે મતની ટકાવારી વધવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.