પાણી કરતાં ક્રૂડ સસ્તું છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 21 મહિનાની ટોચે
કોરોનાના પ્રકોપ અને લૉકડાઉનથી પેદા થયેલી આિર્થક મંદીની સમસ્યા વચ્ચે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોએ હવે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાના બોજનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
મંગળવારે પેટ્રોલ 47 પૈસા અને ડીઝલ 93 પૈસા મોંઘાં થતાં 10 દિવસમાં પેટ્રોલમાં 5.47 રૂપિયા અને ડીઝલમાં 5.80 રૂપિયાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ પાણી કરતાં પણ સસ્તું હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 21 મહિનાની ટોચે પહોંચી ગયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની સાથે જેટ ફ્યુલ કે એવીએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પણ 16.3 ટકાનો વધારો કર્યો હતો.
આ સાથે એટીએફના ભાવમાં પ્રતિ કિલોલીટર રૂ. 5,494.50નો વધારો થતાં એટીએફ પ્રતિ કિલોલીટર રૂ. 39,069.87 થઈ ગયો છે. એટીએફમાં આ મહિને સતત બીજી વખત વધારો કરાયો છે. 1લી જૂને એટીએફમાં વિક્રમી 56.5 ટકા (પ્રતિ કિલોલીટર રૂ. 12,126.75)નો ભાવ વધારો કરાયો હતો. એટીએફમાં ભાવવધારાનો આૃર્થ છે એરલાઈન્સનો ખર્ચ વધશે અને કંપનીઓ એર ટિકિટના ભાવ વધારી આ બોજ ગ્રાહકો પર નાંખી શકે છે.
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 76.73 થયા છે, જે નવેમ્બર 17, 2018 પછી ટોચના સ્તરે પહોંચી ગયા છે જ્યારે ડીઝલના ભાવ 21મી ઓક્ટોબર 2018 પછી સૌથી વધુ રૂ. 75.19ના સ્તરે પહોચ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. 83.62 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.75 થયો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર અનુક્રમે રૂ. 74.34 અને 72.68 થયા છે. મે 2017માં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના ભાવમાં દૈનિક સુધારો શરૂ કર્યા પછી ડીઝલમાં એક દિવસમાં 93 પૈસાનો સૌથી મોટો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર માર્ચની મધ્યમાં એક્સાઈઝ ડયુટી વધાર્યા પછી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર અટકાવી દીધા હતા. આ સમયે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ જેવી રીટેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનો બોજ ગ્રાહકો પર નાંખવાના બદલે પોતે સહન કરી લીધો હતો.
વધુમાં લૉકડાઉન દરમિયાન ઈંધણની માગમાં વિક્રમી ઘટાડો થતાં ઓઈલ કંપનીઓને ઘણું નુકસાન થયું હતું. ઓઈલ કંપનીઓ લગભગ 82 દિવસના વિરામ પછી ઈંધણના ભાવમાં વધારો કરીને હવે આ નુકસાન સરભર કરી રહી છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે 1થી 6 જૂન દરમિયાન નેટ ઓટો ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન પ્રતિ લીટર માઈનસ 1.28 રૂપિયા હતું, જે ઈંધણના ભાવમાં વધારાના કારણે 15મી જૂને વધીને પ્રતિ લીટર રૂ. 3.1 થઈ ગયું છે.
પેટ્રોલ-ડીઝલ પાણી કરતાં મોંઘા કેવી રીતે?
ક્રૂડનો ભાવ લીટરે રૂ. 19 જ્યારે પાણીની પેકેજ બોટલના રૂ. 20
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોના વાઈરસના કારણે સમગ્ર દુનિયામાં આિર્થક પ્રવૃત્તિઓ અટકી ગયા પછી ગયા મહિને ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલાયો હતો. જોકે, ઓપેક દેશોએ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડયા પછી ભાવમાં ફરી તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને પ્રતિ બેરલ 39 ડોલર થઈ ગયા છે. આથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
વધારો થઈ રહ્યો છે. જોકે, નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે ક્રૂડ આંતરરાષ્ટ્રીય સ્તરે પાણી કરતાં પણ સસ્તું છે છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 39 ડોલર જેટલો છે. એક બેરલ એટલે 159 લીટર. હાલ ડૉલરનો ભાવ 76 રૂપિયા છે. આ દૃષ્ટિએ એક બેરલ ક્રૂડનો ભાવ 2964 રૂપિયા છે. હવે બેરલને લીટરમાં બદલીએ તો એક લીટર ક્રૂડનો ભાવ રૂ. 18.64 જેટલો થાય છે જ્યારે દેશમાં પાણીની પેકેજ્ડ બોટલનો ભાવ રૂ. 20 જેટલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.