દેશમાં શનિવારે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૦૦ની નજીક પહોંચી ગયો છે અને કુલ કેસોની સંખ્યા ૩૪૫૦થી વધુ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના અંદાજે ૪૨૫ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૬ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોના સામેની લડતમાં દેશમાં અત્યાર સુધીમાં ૨૭૭ લોકો સાજા થયા છે.
સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઈરસના પ્રસારનું પ્રમાણ ધીમું છે.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના ૧૭ રાજ્યોમાં તબલિગી જમાત સાથે સંકળાયેલા ૧૦૨૩ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના નોંધાયેલા કુલ કેસોમાંથી ૩૦ ટકા કેસ તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોનો આંકડો ૫૩૭ ઉપર પહોંચી ગયો છે જ્યારે બીજા ક્રમે તામિલનાડુમાં ૪૮૫ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે તબલિગી જમાત સાથે સંકળાયેલા કેસ તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, અંદામાન-નિકોબાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઝારખંડ સહિત ૧૭ રાજ્યોમાં સામે આવ્યા છે. ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે તબલિગી જમાતમાં સામેલ લોકોના સંપર્કમાં આવેલા ૨૨ હજાર લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
દિલ્હીના નિઝામુદ્દિન સ્થિત તબલિગી જમાતના મરકઝમાં એક સંમેલનમાં ભાગ લેવા માટે હજારો લોક દેશ-વિદેશમાંથી આવ્યા હતા અને લોકડાઉનના સમયમાં ત્યાંથી પરત પોતાના રાજ્યોમાં પહોંચી ગયા હતા. હાલ બધા જ રાજ્યોની સરકારો યુદ્ધસ્તર પર આ સંમેલનમાં ભાગ લેનારા લોકોને ટ્રેસ કરીને ક્વોરન્ટાઈન કરી રહી છે. દરમિયાન આ લોકોના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના ૫૮ દર્દીઓની સ્થિતિ નાજુક છે. આ દર્દીઓ કેરળ, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં છે. કોરોનાના કારણે હાલ જે લોકોના મોત થયા છે, તેમાં સૌથી વધુ કેસ વૃદ્ધોના છે અને સ્વાસ્થ્ય સંબંધિ અન્ય તકલીફો હોય તેવા લોકોના પણ કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો દર ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે.
સૌથી વધુ દર્દી ૨૧ાૃથી ૪૦ વર્ષની વયના
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોના વાઈરસના નવ ટકા દર્દીઓ ૨૦ વર્ષની વય સુધીના છે જ્યારે ૪૨ ટકા દર્દી ૨૧થી ૪૦ વર્ષની વયના છે. એ જ રીતે ૩૩ ટકા કેસ ૪૧-૬૦ વર્ષની વયના છે અને ૧૭ ટકા દર્દી ૬૦ વર્ષથી વધુ વયના છે.
હવે દરરોજ ૧૦ હજાર ટેસ્ટ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું કે તપાસની સંખ્યા જરૂરિયાત મુજબ વધારવામાં આવી છે. હવે દૈનિક ૧૦ હજાર લોકોના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૩૧ હજાર નિવૃત્ત ડોક્ટર્સ વોલંટિયરના રૂપમાં સામે આવ્યા છે. તેમણે એણ પણ કહ્યું કે ૯૭ કાર્ગો જહાજો મારફત ૧૦૧૯ ટન મેડિકલ સામાન રાજ્યોને મોકલાયો છે.
લોકો ઘરોમાં જ માસ્ક બનાવે
બીજીબાજુ દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે શનિવારે સરકારે લોકોને માસ્ક પહેરીને જ ઘરમાંથી બહાર નીકળવા નિર્દેશ આપ્યા છે. સરકારે તાજેતરમાં આ અંગે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહેવાયું છે કે ઘરોમાંથી બહાર નીકળતી વખતે માસ્ક જરૂર પહેરવો. સરકારે જણાવ્યું કે ચહેરા અને મોં ને કવર કરવા માટે ઘરમાં જ બનાવેલા માસ્કના ઉપયોગથી કોરોના સામે ૭૦ ટકા રક્ષણ મેળવી શકાય છે. અનેક દેશોએ ઘરોમાં બનેલા માસ્ક સામાન્ય લોકો માટે લાભદાયક હોવાનો દાવો કર્યો છે.
ઘરે બનાવેલા માસ્ક દરરોજ ધોવા જોઈએ
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ લોકો જૂની બનિયાન, ટી-શર્ટ અને રૂમાલ વગેરેથી અસરકારક માસ્ક બનાવી શકે છે. માસ્ક લગાવેલા રહેવાથી કોઈ સંક્રમિત દ્વારા છીંક અથવા ખાંસી ખાવાથી હવામાં ફેલાયેલા વાઇરસને પોતાના શ્વાસ સુધી પહોંચતા રોકવા શક્ય છે. લોકોએ ભીડવાળી જગ્યા પર વિશેષરૂપે માસ્ક પહેરવા જોઈએ. માસ્કને નિયમિતરૂપે પાણી, સાબુ અથવા આલ્કોહોલથી સાફ કરવા જોઈએ. ઘરેલુ માસ્ક દરરોજ ધોવા અને ગરમ કરવા જોઈએ. ધોયા વિના ફરીથી માસ્કનો ઉપયોગ ન કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.