ભારતમાં કોરોના 24 કલાકમાં સૌથી વધુ 11788 કેસ, 389નાં મોત

– દેશમાં કુલ કેસ 2.77 લાખને પાર, મૃત્યુઆંક નવ હજાર નજીક

– દેશમાં 140205 લોકો કોરોનામુક્ત થયા : અમદાવાદ સહિત છ હોટસ્પોટ શહેરોમાં કેન્દ્રની વિશેષ સ્વાસ્થ્ય ટીમ મોકલાશે

– સીઆરપીએફના 28 જવાનોને કોરોના થતા સારવાર હેઠળ

– પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસોની સામે સાજા થયેલાની સંખ્યા વધી

દેશમાં કોરોના વાઇરસની મહામારીએ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ છે. કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત દેશમાં થઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં પહેલી વખત ૨૪ કલાકમાં જ સૌથી વધુ ૧૧૭૮૮ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આ જ સમયગાળામાં ૩૮૯ લોકોએ જીવ ગૂમાવ્યો છે. બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યાનો આંકડો વધીને હવે ૨૭૭૨૮૬ને પાર પહોંચી ગયો છે. સાથે જ કુલ મૃત્યુઆંક પણ આઠ હજારને પાર કરી ગયો છે.

પ્રાપ્ત આંકડા અનુસાર કુલ ૨૭૭૨૮૬ કોરોનાના કેસો દેશમાં છે તેમાં ૧૪૦૨૦૫ને સાજા કરી લેવામાં આવ્યા છે પણ ૮૦૯૯ લોકો મોતને ભેટયા છે. ૨૪ કલાકમાં જ જે ૧૧૭૮૮ કેસો સામે આવ્યા છે તેમાં સાથે જ ૬૯૩૮ લોકોને આ જ સમયગાળા દરમિયાન સાજા કરી લેવામાં આવ્યા છે અને ૩૮૯ લોકોએ જીવ ગૂમાવ્યો છે. હાલ સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા રાજ્યોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.

જેને પગલે ગુજરાત સહિતના જે પણ રાજ્યોના શહેરોમાં સ્થિતિ કફોડી હોય ત્યાંની સ્વાસ્થ્ય ટીમને મદદ કરવા માટે કેન્દ્ર સરકારની એક વિશેષ ટીમને મોકલવામાં આવી રહી છે. આ શહેરોમાં અમદાવાદ ઉપરાંત કોલકાતા, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ, બેંગાલુરુનો પણ સમાવેશ થાય છે.

આ વિશેષ ટીમ રાજ્યની સ્વાસ્થ્ય ટીમ છે તેને અસિસ્ટમ કરશે અને બનતી દરેક પ્રકારની મદદ કરશે તેમ કેન્દ્ર સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.  બીજી તરફ સરકારે સામે એવો પણ દાવો કર્યો છે કે હાલ કોરોના કેસોની સંખ્યા ભલે વધી રહી હોય પણ તેની સામે રીવકવી રેટ પણ સુધરી રહ્યા છે અને બહુ મોટી સંખ્યામાં લોકો સાજા થઇ રહ્યા છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ૧૩૫૨૦૬ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી ૪૮.૯૯ ટકા દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે.

બીજી તરફ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોમાં પણ કોરોના વાઇરસ પહોંચી ગયો છે. કાશ્મીરના ૨૮ સીઆરપીએફ જવાનોને કોરોના વાઇરસનો ચેપ લાગતા દરેકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાથે જ તેઓ જે પણ અન્ય જવાનોના સંપર્કમાં આવ્યા હોય તેમને ક્વોરન્ટાઇન કરાઇ રહ્યા છે અને તેમનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

દરમિયાનમાં દેશમાં કોરોનાના જેટલા એક્ટિવ કેસો છે તેના કરતા સાજા થયેલાની સંખ્યા વધી ગઇ છે અને આવું પહેલી વખત થયું છે. કેમ કે સરકારના દાવા મુજબ દેશમાં કોરોના કેસોનો રિકવરી રેટ સુધી ગયો છે અને તે ૫૦ ટકાની નજીક પહોંચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં કોરોનાના જેટલા એક્ટિવ કેસો છે તેનો આંકડો ૧૩૭૭૪૬ છે જ્યારે તેની સામે સાજા થઇ ગયેલાની સંખ્યા ૧૪૦૮૮૪ પર પહોંચી ગઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.