ભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે ગુગલ, CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાતચીત કરી. આ વાતચીત બાદ સુંદર પિચાઈએ ભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી.

પિચાઈએ કહ્યું. આજે હું ‘ગૂગલ ફોર ઈન્ડિયા ડિઝિટલીકરણ કોષ’ની જાહેરાત કરતા રોમાંચિત અનુભવું છું. આ પહેલ હેઠળ અમે આગામી પાંચ થી સાત વર્ષમાં ભારતમાં 10 અરબ ડોલર એટલે કે 75 હજાર કરોડનું રોકાણ કરીશું.

તેમણે જણાવ્યું કે, અમારું રોકાણ ભારતના ડિઝિટલીકરણના ચાર મુખ્ય ક્ષેત્ર પર કેન્દ્રિત હશે. તેમાં અમે દરેક ભારતીય સુધી તેની ભાષામાં સસ્તી પહોંચ અને માહિતીને ઉપલબ્ધ કરાવીશું. ભારતની જરૂરિયાત પ્રમાણે નવા ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ કરવું, વ્યવસાયીઓને ડિઝિટલ ફેરફાર માટે સશક્ત કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષા અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક ભલાઈ માટે આર્ટિફિશ્યલ ઈન્ટલેજન્સ અને ટેક્નોલોજીનો લાભ પહોંચાડવાનું સામેલ છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ સુંદર પિચાઈ સાથે થયેલી વાતચીતની જાણકારી આપતા ટ્વીટમાં લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે વાતચીત થઈ. અમે ઘણાં વિષયો પર વાત કરી. ખાસ કરીને ટેક્નોલોજી દ્વારા ભારતના ખેડુતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનને બદલવાના વિષયમાં વાતચીત કરી.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, સુંદર પિચાઈ અને મેં કોરોનાના સમયમાં ઉભરી રહેલી નવી કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરી. અમે તે પડકાર પર પણ ચર્ચા કરી જે વૈશ્વિક મહામારીએ સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રમાં લાવી દીધી છે. અમે ડેટા સિક્યોરિટિ અને  સાઈબર સિક્યોરિટિના મહત્વ વિશે પણ વાતચીત કરી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.