ભારત આજથી યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં સામેલ થશે, ચીનની આક્રમકતા સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લી કરાશે

– જો કે હાલ અસ્થાયી સભ્ય તરીકે જોડાવાનું છે

આજથી એટલે કે 2021ના પહેલા દિવસથી ભારત યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં અસ્થાયી સભ્ય બનવા તૈયાર હતું.

વીતેલા વર્ષ 2020માં ભારતે જે રીતે લદ્દાખ સરહદે ચીનની આક્રમકતાનો સામનો કર્યો ત્યારબાદ દુનિયા આખીની ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલાઇ ગઇ હતી. ભારત હવે કોઇથી દબાય કે ઓશિયાળું બની રહેવા તૈયાર નથી એવી એક છાપ પડી હતી.

એક કરતાં વધુ દેશોમાં ઘુસણખોરી અને પગપેસારો કરવાના ચીનના પ્રયાસોને ભારત ખુલ્લા પાડશે એમ મનાતું હતું. ચીન સતત સિક્યોરિટી કાઉન્સિલમાં ભારત વિરોધી સૂર વ્યક્ત કરતું રહ્યું હતું. પોતાના ઓશિયાળા મિત્ર પાકિસ્તાનને સહાય કરવા ચીન આ સમિતિમાં સતત કશ્મીર મુદ્દો ઊઠાવીને ભારતને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકતું હતું. હવે ભારત ચીનની એ ખંધાઇને ખુલ્લી પાડી શકશે.

નોર્વે, આયર્લેન્ડ, કેન્યા અને મેક્સિકો સાથે ભારત અસ્થાયી સભ્ય તરીકે આજથી બેસશે. અન્ય અસ્થાયી સભ્યોમાં એસ્ટોનિયા, નાઇઝર , સેંટ વિન્સેન્ટ, ટ્યુનિશિયા અને વિયેતનામનો સમાવેશ છે. બીજી બાજુ ચીન, ફ્રાન્સ,રશિયા, અમેરિકા અને બ્રિટન કાયમી સભ્યો છે. આ વર્ષના ઑગષ્ટમાં ભારત સિક્યોરિટી કાઉન્સિલના અધ્યક્ષપદે પણ બિરાજશે. દરેક સભ્ય એક એક વર્ષ માટે સિક્યોરિટી કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી અદા કરે છે.

ભારતે ચીનની આક્રમકતા અને વિના કારણે પાડોશી દેશોને હેરાન કરવાની નીતિ વિશે સમગ્ર વિશ્વને આ સમિતિ દ્વારા જાણ કરવાની રહેશે. ભારત પાસે નક્કર મુદ્દાઓ છે જેવા કે સરહદ પારનો આતંકવાદ, પાકિસ્તાન દ્વારા આતંકવાદને અપાતું ભંડોળ, મની લોન્ડરીંગ ઇત્યાદિ. ભારત સિક્યોરિટી કાઉન્સિલમાં અસ્થાયી સભ્ય બનવાનું હોવાની જાણ હોવાથી ચીને યુનોમાં પોતાનું સ્થાન વધુ સુદ્રઢ કર્યું હતું.

યુનોની કેટલીક મહત્ત્વની પેટાશાખાઓમાં પોતાના માણસોને ઘુસાડ્યા હતા. પોતાના બજેટમાં પણ સારો એવો વધારો કર્યો હતો. ચીન પાકિસ્તાનને મદદ કરવા કશ્મીર મુદ્દો ઊઠાવે છે એમ ભારત હોંગકોંગ અને તાઇવાનમાં ચીનની દાદાગીરીના મુદ્દાને રજૂ કરીને ચીનનો સામનો કરી શકશે. ભારતે પોતાનાં હિતોનું રક્ષણ કરવા ઉપરાંત ચીન અને પાકિસ્તાનને ખુલ્લાં પાડવાના ઉદ્દેશને સાકાર કરવાનો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.