ભારત-અમેરિકાની વચ્ચે ડિફેન્સ ડીલ થતા પાકિસ્તાનને લાગ્યા મરચાં, મુકાયું મુશ્કેલીમાં

ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી ડિફેન્સ ડીલથી પાકિસ્તાનને બેચેની વધી ગઇ છે. તેણે બંને દેશોની વચ્ચે કરાર થવા પર ચિંતા વ્યકત કરતાં કહ્યું કે તેનાથી ક્ષેત્રમાં હથિયારોની હોડ વધશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આયશા ફારૂરીએ પણ ચિંતા વ્યક્ત કરી. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાત પર આવ્યા હતા. આ દરમ્યાન તેમની પીએમ મોદીની સાથે વાર્તા થઇ. ત્યારબાદ તેમણે બંને દેશોની વચ્ચે 3 અબજ ડોલરના ડિફેન્સ ડીલની જાહેરાત કરી.

ડિફેન્સ ડીલ પર પાકિસ્તાન વિદેશ મંત્રાલયે વ્યકત કરી ચિંતા

અમેરિકા અને ભારતની વચ્ચે થયેલા રક્ષા સોદા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના આયશા ફારૂકીએ કહ્યું કે તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે થયેલા અબજો ડોલરના રક્ષા સોદા પર પાકિસ્તાનને વાંધો છે. પાકિસ્તાન કેટલીય વખત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ક્ષેત્રમાં હથિયારોની હોડને લઇ પોતાની ચિંતા વ્યકત કરી ચૂકયું છે.

ફારૂકીએ ભારતના આંતરિક મામલામાં સીધી દખલ કરતાં દિલ્હીમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ત્યાં જે રીતે હિંસા સમુદાય વિશેષની વિરૂદ્ધ થઇ છે તેના પર પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે. સંયુકત રાષ્ટ્ર અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલી સંસ્થાઓએ પોતાની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરી છે. તેમણે આરોપ મૂકયો કે ‘ભારત કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બુધવારના રોજ ભારતીય હાઇકમિશનને સમન્સ મોકલી આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.