અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાની ભૌગિલિક સ્થિતિનો બિલકુલ અંદાજો નથી. પોતાને જાહેરમાં ‘જીનિયર’ કહેતા ટ્રમ્પના ઇતિહાસ અને ભૂગોળ અંગેના જ્ઞાનનો તમે એ વાત પરથી અંદાજો લગાવી શકો છો કે તેમને એ ખબર નથી કે ભારતની સરહદ ચીનથી લાગે છે. જી હા એકવાર તેમણે ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં સુધી કહ્યું હતું કે, ભારતની સરહદ ચીન સાથે નથી. આ વાત સાંભળતા જ મોદી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. બાદમાં તેમના હાવભાવ ચિંતામાં બદલાઈ ગયા હતા. આ અંગે ટ્રમ્પના એક સાથીદારે કહ્યું હતું કે, ‘એ બેઠક વડાપ્રધાન મોદીએ અધવચ્ચે જ છોડી દીધી હતી. એ વખતે મોદીના હાવભાવ જાણે એવું કહી રહ્યા હતા કે, ટ્રમ્પ એક ગંભીર વ્યક્તિ નથી. હું આવી વ્યક્તિને મારા સાથીદાર તરીકે ના સ્વીકારી શકું.’ આ અમે નથી કહી રહ્યા પરંતુ એક નવા પુસ્તકમાં આ દાવો કરાયો છે.
આ દાવો અમેરિકન અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પુલિત્ઝર જીતી ચૂકેલા બે પત્રકાર ફિલિપ રકર અને કેરોલ લિઓનિંગે પોતાના નવા પુસ્તક ‘અવેરી સ્ટેબલ જિનિયસ’માં કર્યો છે. આ પત્રકારોને બે વખત પુલિત્સર પ્રાઈઝ મળી ચૂક્યું છે. ટ્રમ્પે ભારત-ચીન મુદ્દે કરેલી ટિપ્પણી અંગેનો આ દાવો ટ્રમ્પના નજીકના સાથીદારોની વાતચીતના આધારે કરાયો છે. 417 પાનાંના આ પુસ્તકમાં કહેવાયું છે કે, ‘ટ્રમ્પની આ ટિપ્પણીએ ભારત-અમેરિકાના રાજકીય સંબંધને એક પગલું પાછળ ધકેલી દીધા હતા.’ જોકે, ટ્રમ્પ કઈ બેઠકમાં આવું બોલ્યા હતા એ વિશે પુસ્તકમાં ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવાય છે કે, આ ઘટના ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાત વખતની છે. આ પુસ્તકમાં ટ્રમ્પના પહેલાં ત્રણ વર્ષની આવી અનેક ઘટનાઓ અંકિત છે.
અમેરિકન સરકારના પૂર્વ સલાહકારો પણ ટ્રમ્પના આવા અનેક અજ્ઞાન વિશે જાહેરમાં કહી ચૂક્યા છે. ટ્રમ્પ એવું પણ વિચારતા હતા કે, નેપાળ અને ભુતાન ભારતમાં જ છે. ગયા વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મોદીએ જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનમાં કાશ્મીર મુદ્દો ઉકેલવા મારી મધ્યસ્થી માંગી હતી.’ જોકે, આ વાતને ભારતીય વિદેશ મંત્રાલયે જૂઠી ગણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.