ભારતે ચીનથી ચેતવા જેવું : ભાગલાવાદીઓને પ્રોત્સાહન આપશે

ભારતીય સૈન્ય પાક., ચીન અને આંતરિક વિદ્રોહ સામે લડવા તૈયાર : તાઈવાન નેશનલ ડેના મીડિયા કવરેજથી ચીન ભડક્યુ

ભારત પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનને જરા પણ મચક આપતું નથી અને તેણે ચીન પર પાછા હટવા દબાણ કરવાનું ચાલુ રાખ્યું છે. વધુમાં ભારતે ચીનને ઘેરવા માટે તાઈવાન સાથે સંબંધો વધારી રહ્યું છે. આ બાબતોથી અકળઆઈ ઉઠેલું ચીન હવે ભારતને હંફાવવા માટે પાકિસ્તાનના રસ્તે આગળ વધી રહ્યું હોય તેમ ભારતમાં અલગતાવાદી અને ઉગ્રવાદીના વિદ્રોહની ધમકી આપી છે.

ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતને તાઈવાનથી દૂર રહેવાની સલાહ આપતા કહ્યું કે ભારત તાઈવાનની આઝાદીને સમર્થન આપશે તો ચીન પણ તેના અનેક રાજ્યોમાં અલગતાવાદીઓને સમર્થન આપી શકે છે. જોકે, હકીકત એ છે કે ચીન લાંબા સમયથી ઉત્તર-પૂર્વમાં અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓને હિથયાર અને નાણાં આપતું રહ્યું છે. બીજીબાજુ તે કાશ્મીરમાં પણ પાકિસ્તાના પ્રોક્સી વોરના એજન્ડાને ટેકો આપે છે.

બેઈજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીમાં એકેડમી ઓફ રિજનલ એન્ડ ગ્લોબલ ગવર્નન્સના સિનિયર રિસર્ચ ફેલો લોન્ગ શિંગચુને ગ્લોબલ ટાઈમ્સમાં લખેલા એક લેખમાં કહ્યું છે કે ભારતમાં અનેક મીડિયા આઉટલેટ્સે તાઈવાનના નેશનલ ડેની જાહેરાત બતાવી હતી અને એક ટીવી ચેનલે તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વૂનો ઈન્ટર્વ્યૂ બતાવ્યો હતો, જેથી તાઈવાનના અલગતાવાદી સ્વરને મંચ મળ્યો. તેનાથી ચીનમાં એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતને તાઈવાન કાર્ડનો જવાબ કેવી રીતે આપી શકાય.

લોંગ શિંગચુને કહ્યું કે, ભારત તરફથી વન ચાઈનાને સમર્થન આપવા અને તાઈવાનની આઝાદીને સમર્થન નહીં આપવાના કારણે જ ચીન ભારતમાં અલગતાવાદીઓને સમર્થન આપતું નહોતું. તાઈવાન અને ભારતના અલગતાવાદી એક જ કેટેગરીના છે. ભારત તાઈવાનને સમર્થન આપશે તો ચીન પણ ભારતીય અલગતાવાદીઓને સમર્થન આપી શકે છે.

ચીન સરકારના મુખપત્રમાં પ્રકાશિત લેખમાં કહેવાયું છે કે ભારતીય સેનાએ કહ્યું છે કે તે અઢી ફ્રન્ટ યુદ્ધની તૈયારી કરી રહી છે. તેનો ઈશારો પાકિસ્તાન, ચીન અને આંતરિક વિદ્રોહ તરફ છે. આતંરિક વિદ્રોહમાં અલગતાવાદીઓ અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે. લેખમાં કહેવાયું છે કે, ભારત તાઈવાનની આઝાદીને સમર્થન કરશે તો ચીન પણ ઉત્તર-પૂર્વના રાજ્યો ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર, અસમ અને નાગાલેન્ડમાં અલગતાવાદીઓને સપોર્ટ કરી શકે છે. ચીન સિક્કિમમાં વિદ્રોહને પણ ટેકો આપી શકે છે.

ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે અનેક રાજ્યો ભારતની આઝાદી પછી જોડાયા છે, પરંતુ અહીંના લોકો પોતાને ભારતીય નથી માનતા. તેઓ પોતાનો અલગ દેશ ઈચ્છે છે અને તેના માટે લડી રહ્યા છે. સૌથી મહત્વનો અસમ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે. હિથયારોથી સજ્જ આ અલગતાવાદી સંગઠન ભારતીય સૈન્યના અભિયાનોના કારણે નબળું પડી ચૂક્યું છે, પરંતુ સંપૂર્ણપણે ખતમ નથી થયું. બહારથી સમર્થનના અભાવમાં તેના માટે તેમની ચળવળ આગળ ચલાવવી મુશ્કેલ છે, પરંતુ બહારથી સમર્થન મળે તો તે ફરીથી વિદ્રોહ શરૂ કરવા માટે સશક્ત છે.

ગ્લોબલ ટાઈમ્સે એમ પણ લખ્યું છે કે આ અલગતાવાદીઓએ ચીનનું સમર્થન માગ્યું છે, પરંતુ કુટનીતિક સિદ્ધાંતો અને ભારત સાથે મિત્રતાના કારણે ચીને તેમને જવાબ આપ્યો નથી. ચીન બીજા દેશોની પ્રાદેશિક અખંડતાનું સન્માન કરે છે. એક-બીજાની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાની માન્યતા ચીન-ભારત રાજકીય સંબંધોનો આધાર છે. ભારતીય રાષ્ટ્રવાદીઓ તાઈવાનમાં આગ લગાવશે તો ભારત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અશાંતિ અને વિદ્રોહ જોશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.