ભારતમાં ચીની કંપનીઓને હાઇવેના પ્રોજેક્ટ નહીં મળે, પ્રતિબંધ મુકાયો

– એપ બાદ હવે ચીની કંપનીઓ પર તવાઇ

સ્વદેશી કંપનીઓને કોન્ટ્રાક્ટ સરળતાથી મળી રહે તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે : ગડકરીનો દાવો

ચીની સૈનિકો દ્વારા થયેલા હુમલામાં ભારતના ૨૦ જવાનો શહીદ થઇ ગયા છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે ચીનની અનેક મોબાઇલ એપ્લીકેશનો પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે સાથે હવે અન્ય પગલા પણ ચીન વિરુદ્ધ લેવાઇ રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં હવે હાઇવે પ્રોજેક્ટ્સ માટે કોઇ પણ ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં નહીં આવે.

ગડકરીએ સાથે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એ બાબતનું ધ્યાન રાખશે કે કોઇ પણ ચીની કંપનીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇએસ) કોઇમાં પણ રોકાણ ન કરી શકે. સોમવારે જ સરકારે ભારતમાં ૫૯ ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યું હતું કે જોઇન્ટ વેંચરમાં પણ ચીની કંપનીઓનો સમાવેશ નહીં થવા દઇએ. જોકે સરકારે થોડા દિવસો પહેલા જ ચીનની એક કંપનીને કન્સ્ટ્રક્શન સંબંધી કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. આ ઉપરાંત અનેક સરકારી પ્રોજેક્ટમાં પણ ચીનની કંપનીઓ સામેલ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા.

આ અંગે જ્યારે નિતિન ગડકરીએ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે સરકારી કોન્ટ્રાક્ટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે માત્ર નવા નહીં જુના કોન્ટ્રાક્ટને પણ લાગુ રહેશે. તેથી જે કોન્ટ્રાક્ટ પહેલાથી જ ચીની કંપનીઓને આપી દેવામાં આવ્યા હોય તેને રદ કરવામાં આવી શકે છે. સાથે જ સ્થાનિક કંપનીઓને પણ તક મળી રહે તે માટે નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે કે જેથી ભારતની સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન પણ આપી શકાય. સાથે જ કોન્ટ્રાક્ટ માટે વિદેશી કંપનીઓની મદદ ન લેવી પડે અને સ્થાનિક કંપનીઓને જ કોન્ટ્રાક્ટ મળી રહે તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.