ભારતમાં કોરોના વાઈરસના કેસ વધતા ચીન હવે પોતાના નાગરિકોને પરત બોલાવશે

 

ચીને ભારતમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓ, મુસાફરો અને વ્યવસાયીઓ સહિત અન્ય નાગરિકોને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. જે અહીં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને પોતાના ઘરે પરત ફરવા માંગે છે.

ચીનની એમ્બેસીએ સોમવારે પોતાની વેબસાઈટ પર નોટિસ લગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઘરે પરત ફરવા માંગે છે તેઓ વિશેષ ફ્લાઈટ્સમાં ટીકીટ બુક કરાવે. ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ચીને આ નિર્ણય કર્યો છે.

કોરોના વાઈરસની શરૂઆત ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરથી થઈ હતી. દુનિયાભરમાં આ વાઈરસથી 54 લાખથી વધારે લોકો સંક્રમિત થયાં છે અને 3.4 લાખથી વધારે લોકોના મોત થયાં છે. ભારતે ફેબ્રુઆરીમાં વુહાનમાંથી લગભગ 700 ભારતીયોને પરત લાવ્યા હતા.

ચીનની એમ્બસીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઘરે પરત ફરવા ઈચ્છતા લોકોને ફ્લાઈટ દરમિયાન અને ચીનમાં પ્રવેશ બાદ ક્વોરન્ટીન અને મહામારીને રોકવાના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 14 દિવસોમાં કોરોના વાઈરસનો ઈલાજ કરાવનારા કે તાવ અને ઉધરસ જેવા સંક્રમણના લક્ષણ ધરાવનારાઓને ખાસ ફ્લાઈટમાં મુસાફરી કરવી જોઈએ નહી. તેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી માટે ટિકિટ અને ચીનમાં ક્વોરન્ટિનમાં રહેવાનો ખર્ચો નાગરિકોએ ઉઠાવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.