ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વધુ તાકાતવર બનશે,31 હંટર કિલર ડ્રોન, જે ભારતીય સેનાને મજબૂત બનાવશે..

MQ-9B Hunter Killer Drone : ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વધુ તાકાતવર બનશે. વાસ્તવમાં અમેરિકાથી 31 હંટર કિલર ડ્રોન ટૂંક સમયમાં ભારતમાં આવવાના છે. આ માટે કેન્દ્ર સરકારે પ્રયાસો તેજ કર્યા છે. ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B ‘હન્ટર-કિલર’ રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ મેળવવા માટે વાટાઘાટો ઝડપી કરી છે. આ મહત્ત્વાકાંક્ષી સોદો આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની આશા છે. ભારત આ પગલું એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ચીન અને પાકિસ્તાન તેમના સશસ્ત્ર ડ્રોન કાફલાને મજબૂત કરી રહ્યા છે.

એક ખાનગી મીડિયા હાઉસે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે,આ 31 સશસ્ત્ર ઊંચાઈ, લાંબા અંતરની ઉડાન અને હંટર કિલર ડ્રોન માટે યુએસ સરકાર સાથે વાતચીત હવે અદ્યતન તબક્કામાં છે. આ ડ્રોનના બે વર્ઝન છે -એક સ્કાય ગાર્ડિયન અને બીજું સી ગાર્ડિયન. જ્યારે ભારતને આ 31 MQ-9B હન્ટર કિલર ડ્રોન મળશે ત્યારે આમાંથી 15 સી ગાર્ડિયન ડ્રોન ભારતીય નૌકાદળને આપવામાં આવશે. જ્યારે ભારતીય વાયુસેના અને સેનાને 8-8 સ્કાય ડ્રોન આપવામાં આવશે.

ભારત માટે કેમ મહત્વના છે આ ડ્રોન ?

આ હથિયાર ભારત માટે પણ મહત્વનું છે કારણ કે પાકિસ્તાન અને ચીન વચ્ચે સરહદ પર સતત તણાવ છે. એક તરફ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાન કાશ્મીરમાં સતત પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં ચીન પાકિસ્તાનને સતત ડ્રોન સપ્લાય કરી રહ્યું છે. ચીને તેના સશસ્ત્ર કાઈ હોંગ-4 અને વિંગ લૂંગ-2 ડ્રોનની સપ્લાય ઝડપી બનાવી છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન સતત તેના ડ્રોન કાફલાને મજબૂત કરી રહ્યું છે. તેણે તેના સર્વ-હવામાન મિત્ર ચીન પાસેથી વધુ 16 સશસ્ત્ર કાઈ હોંગ-4 (CH-4) ડ્રોન માંગ્યા છે. અહીં જાણવા જેવી વાત એ છે કે પાકિસ્તાન પાસે સેનામાં પહેલાથી જ સાત CH-4 ડ્રોન અને ત્રણ નેવીમાં છે.

કેવું છે આ MQ-9B હન્ટર-કિલર ?

મહત્વનું છે કે, આપણે ત્યાં જે ડ્રોન આવી રહ્યું છે તે ઘાતક હથિયાર છે. તે દુશ્મનોને દૂરથી મારવાની શક્તિ ધરાવે છે. તેના માટે સરહદ પાર કરવી અને દુશ્મનોને મારવા એ ડાબા હાથની રમત છે. પ્રખ્યાત MQ-9B રીપર અથવા પ્રિડેટર-બી ડ્રોન જેને હન્ટર કિલર ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે તે 40,000 ફૂટથી વધુની ઊંચાઈએ લગભગ 40 કલાક સુધી ઉડી શકે છે. તે આરામથી 5,670 કિલો વજન ઉપાડી શકે છે. તે જ સમયે તેની ઇંધણ ક્ષમતા 2,721 કિગ્રા છે.

ચીનના સશસ્ત્ર ડ્રોન કરતા ઘણા સારા હંટર કિલર ડ્રોન

MQ-9B હન્ટર-કિલરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તે સરહદ અને સીમા પારની ગતિવિધિઓ પર નજર રાખી શકે. ઉપરાંત આ ડ્રોન ચોક્કસ હુમલા માટે હેલફાયર મિસાઈલો એટલે કે હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલો અને સ્માર્ટ બોમ્બથી સજ્જ છે. હંટર કિલર ડ્રોન ચીનના સશસ્ત્ર ડ્રોન કરતા ઘણા સારા માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ 31 હંટર કિલર ડ્રોનની કિંમત લગભગ 3.9 અબજ ડોલર (લગભગ 33,500 કરોડ રૂપિયા) રાખી છે. પરંતુ ભારત આમાં સોદો કરશે. આ કિંમતમાં મિસાઈલ, બોમ્બ, નેવિગેશન સિસ્ટમ અને મોબાઈલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે આ ડ્રોન ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે.

અલકાયદાના માસ્ટર માઇન્ડને આ જ ડ્રોનને ઉડાવાયો હતો

આ તરફ હવે આ હંટર કિલર ડ્રોનની વિશેષતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે અલકાયદાના નેતા અલ જવાહિરીને મારવો પડ્યો ત્યારે અમેરિકાએ તેના હન્ટર કિલર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 31 જુલાઈ, 2022ના રોજ અમેરિકાએ કાબુલમાં વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અલ કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યો. આ કામને પાર પાડવામાં આ હંટર કિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હન્ટર કિલર ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી, માહિતી એકત્ર કરવા અથવા દુશ્મનની જગ્યાઓ પર ચોરીછૂપીથી હુમલો કરવા માટે થઈ શકે છે.

હાલમાં MQ-9B ડ્રોનની ઉપયોગિતા સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને નિઃશસ્ત્ર સી ગાર્ડિયન ડ્રોન ગુપ્તચર, સર્વેલન્સ અને જાસૂસીના મિશન પર સતત તૈનાત છે. આ ડ્રોન અમેરિકન ફર્મ જનરલ એટોમિક્સ પાસેથી લીઝ પર લેવામાં આવ્યા છે. હિંદ મહાસાગર ક્ષેત્રની સાથે તેઓ ચીન સાથેની 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા LAC પર પણ નજર રાખી રહ્યા છે. આ ડ્રોન ગુપ્તચર માહિતી એકત્ર કરવામાં ઘણી મદદ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.