આફ્રિકન સ્વાઈન ફ્લુ ચીનથી અરૂણાચલ પ્રદેશ થઈ આસામ પહોંચ્યો
એક તરફ ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે તેવામાં ભારતમાં વધુ એક ઘાતક બીમારી આફ્રિકન સ્વાઈન ફ્લુએ દેખા દીધી છે. આ બીમારીએ આસામમાં પોતાનો પ્રકોપ દેખાડવાનું ચાલુ કરી દીધું છે અને આસામ સરકારના સત્તાવાર અહેવાલ પ્રમાણે આશરે 2,500 ભૂંડના આ બીમારીના કારણે મોત થયા છે.
આસામ સરકારના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ રાજ્યના સાત જિલ્લાના 306 ગામોમાં આ બીમારી ફેલાઈ હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે આ ખતરનાક બીમારીના કારણે અત્યાર સુધીમાં 2,500 જેટલા ભૂંડના મોત થયા છે અને રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાએ આફ્રિકી સ્વાઈન ફ્લુ (એએસએફ)ની પૃષ્ટિ કરી છે.
દેશમાં પ્રથમ વખત આ પ્રકારની બીમારીએ પગપેસારો કર્યો છે અને તેનું સંક્રમણ એટલી હદે ખતરનાક છે કે તેનાથી સંક્રમિત ભૂંડનો મૃત્યુદર 100 ટકાનો છે. હાલ જે ભૂંડ સંક્રમણથી બચી ગયા છે તેમને બચાવવા માટે રણનીતિ ઘડવાનું કામ ચાલી રહ્યું છે.
બોરાના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ પણ આસામ સરકાર ભૂંડને મારવાના બદલે આ ઘાતક સંક્રામક બીમારીને ફેલાતી અટકાવવા અન્ય રસ્તાઓ અપનાવશે. મંત્રી અતુલ બોરાએ આ બીમારી કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી ધરાવતી તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
કેવી રીતે ફેલાય છે આ ફ્લુ
આફ્રિકી સ્વાઈન ફ્લુ ભૂંડના માંસ, સ્લાઈવા, લોહી અને ટીશ્યુ દ્વારા ફેલાય છે જેથી આસામ સરકાર ભૂંડનું પરિવહન રોકી દેશે. રાજ્ય સરકારે 10 કિમીના પરિમિતિ ક્ષેત્રને સર્વિલન્સ ઝોનમાં ફેરવી દીધું છે જેથી ત્યાંના ભૂંડ બીજે ક્યાંય ન જઈ શકે.
ક્યાંથી ફેલાયો આ ફ્લુ
આ બીમારીની શરૂઆત એપ્રિલ 2019માં ચીનના જિયાંગ પ્રાંતમાં આવેલા એક ગામમાં થઈ હતી જે અરૂણાચલ પ્રદેશને અડીને આવેલું છે. આસામમાં આ બીમારી ચાલુ વર્ષ દરમિયાન ફેબ્રુઆરીના અંતમાં સામે આવી હતી અને તે ચીનથી અરૂણાચલ પ્રદેશ થઈ આસામ પહોંચી હોવાનું જણાઈ રહ્યું છે.
સંક્રમણ કેસની તપાસ થશે
હાલ આસામનો પશુ ચિકિત્સા વિભાગ પ્રભાવિત વિસ્તારોના એક કિમીના અવકાશમાંથી નમૂના એકત્રિત કરીને તેની તપાસ કરશે. આ દરમિયાન જે ભૂંડ સંક્રમિત હશે માત્ર તેમને જ મારવામાં આવશે. ઉપરાંત પાડોશી રાજ્યને પોતાના ત્યાં ભૂંડની અવર-જવર રોકવા આગ્રહ કરવામાં આવ્યો છે.
કેટલાક સમયથી થઈ રહેલા ભૂંડના મોત
છેલ્લા કેટલાક સમયથી આસામના ધેમાજી, ઉત્તરી લખીમપુર, વિશ્વનાથ, ડિબ્રુગઢ, શિવસાગર અને જોરહાટ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂંડના અસામાન્ય મૃત્યુ થઈ રહ્યા છે. તે દરમિયાન મેઘાલયે અન્ય રાજ્યોમાંથી ભૂંડના પરિવહન પર પ્રતિબંધ મુકી દીધો છે. 2019માં આસામમાં ભૂંડની સંખ્યા 21 લાખ હતી જે હાલ વધીને 30 લાખ થઈ ગઈ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.