ભારતમાં ઓનલાઈન નાણાકીય ફ્રોડમાં 500 ટકાનો ચિંતાજનક ઊછાળો : દોભાલ

દેશમાં એકબાજુ ડિજિટલ પ્લેટફોર્મ પર નાગરિકોની નિર્ભરતા વધી રહી છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત દોભાલે દેશના નાગરિકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સમયે સાવધ રહેવાની અપીલ કરી છે.

તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 પછી વ્યાપક સંખ્યામાં લોકોની ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભરતા વધી છે. જોકે, ઓનલાઈન પર ખૂબ જ વધુ નિર્ભરતાના કારણે નાણાકીય છેતરપિંડીમાં 500 ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે સરકાર નેશનલ સાઈબર સિક્યોરિટી સ્ટ્રેટેજી-2020 લઈને આવી રહી છે, જે ભારતની સમૃદ્ધિ માટે સલામત, વિશ્વસનીય સાઈબર સ્પેસ પૂરી પાડશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે જણાવ્યું હતું કે, ‘કેશ હેન્ડલિંગમાં ઘટાડાના કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભરતા ખૂબ જ વધી છે અને ઓનલાઈન ડેટા પણ વ્યાપક પ્રમાણમાં શૅર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની હાજરી પણ વધી ગઈ છે.

આપણે એક હદ સુધી આપણા કેસોને ઓનલાઈન મેનેજ કરવા સક્ષમ છીએ. જોકે, ખરાબ ઈરાદા રાખનારા ડિજિટલ ક્ષેત્રે થઈ રહેલી વૃદ્ધિમાં છેતરપિંડીની નવી તક જોઈ રહ્યા છે. આપણે આપણા મોટાભાગના કામ ઓનલાઈન કરી રહ્યા છીએ ત્યારે હેકર પણ તેને પોતાના માટે તક સમાન જોઈ રહ્યા છે. સાઈબર ગૂના પર જાગૃતિ અને માહિતીના અભાવના કારણે સાઈબર ગૂનાખોરીમાં 500 ટકાથી વધુનો ઊછાળો આવ્યો છે.’

અજિત દોભાલ કેરળ પોલીસ અને સોસાયટી ફોર ધ પુલીસિંગ ઓફ સાઈબર સ્પેસ એન્ડ ઈન્ફર્મેશન સિક્યોરિટી રિસર્ચ એસોસિએશન તરફથી આયોજિત ડેટા પ્રાઈવસી અને હેકિંગ કોન્ફરન્સમાં વીડિયો કોન્ફરન્સથી સાઈબર સિક્યોરિટી પર લેક્ચર આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર વધુ નિર્ભરતાના કારણે નાણાકીય છેતરપિંડીમાં ઘાતક વધારો થયો છે.

દુશ્મનો આ મુશ્કેલ સમયમાં ખોટી માહિતી, બનાવટી સમાચારથી ફાયદો ઉઠાવવા માગ ેછે. તેમણે ઉમેર્યું હતું કે સાઈબર સ્પેસમાં તરતો વિશાળ સાઈબર ડેટા સોનાની ખાણ સમાન છે, જેમાંથી માહિતી કાઢવાથી આપણા નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે. નાગરિકોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર જતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.