– 36 રાફેલ ફાઇટર જેટની ખરીદી માટે ફ્રાન્સ સાથે આંતર સરકારી કરાર કર્યો છે
ફ્રાન્સ જેનો વ્યાપક ભોગ બની રહ્યું છે એ કોરોના વાઇરસ ઉપદ્રવની કોઇ વિપરિત અસર જેટ-સપ્લાયને થશે નહિ
ભારતને રાફેલ ફાઇટર જેટ પૂરા પાડવામાં નક્કી કરાયેલા સમયપત્રકને ચુસ્તપણે વળગી રહેવાશે. આથી ગ્રાહક-દેશ ભારતને આવા ૩૬ વિમાન પહોંચાડવામાં સપ્લાયર-દેશ ફ્રાન્સ દ્વારા કોઇ વિલંબ થશે નહિ. ફ્રાન્સ કોરોનાની મહામારી સામે ઝઝૂમતું હોવાથી વિમાનના સમયસર સપ્લાય બાબત ફ્રાન્સ દ્વારા મોડું થવાની સંભાવનાની શંકા હતી.
ભારતસ્થિત ફ્રેન્ચ રાજદૂત ઇમૈનુએલ લેનિને રાફેલ વિમાનના સમયસર સપ્લાય બાબત ખાતરી આપીને ઉમેર્યું કે રાફેલ વિમાનોના કોન્ટ્રાકટનું અત્યાર સુધી બિલકુલ યોગ્યપણે સન્માન કરાયું છે. હકીકતમાં, કોન્ટ્રાકટ અનુસાર, એપ્રિલના અંતે ફ્રાન્સમાં ભારતીય વાયુદળને એક નવું વિમાન આપવામાં પણ આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે ગઇ તા.૮ ઓકટોબરે ફ્રાન્સના હવાઇ મથકે પ્રથમ રાફેલ જેટ વિમાન સ્વીકાર્યું હતું.
ભારતે સપ્ટેમ્બર, ૨૦૧૬માં ૫૮,૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ફાઇટર જેટની ખરીદી માટે ફ્રાન્સ સાથે આંતર સરકારી કરાર કર્યો છે.
રાજદૂત લેનિને કહ્યું કે તેઓ ભારતીય હવાઇ દળને પ્રથમ ચાર વિમાન શક્ય જલદી ફ્રાન્સમાંથી ભારતમાં લઇ જવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છે. આથી વિમાનોનો કોન્ટ્રાકટ સમયસર પૂરો કરવાના કાર્યક્રમના સમયપત્રકનું પાલન થઇ શકશે નહિ એવી શંકા રાખવાનું કોઇ કારણ નથી.
નોંધનીય છે કે ફ્રાન્સમાં કોરોના વાઇરસના ચેપના દર્દીઓ વધી રહ્યા છે. એ યુરોપના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાનો એક છે. ફ્રાન્સમાં એક લાખ, ૪૫ હજારથી વધુ લોકોને કોરોનાના વાઇરસનો ચેપ લાગ્યો છે, જ્યારે ૨૮,૩૩૦ લોકોના મોત થયા છે.
ભારતીય હવાઇ દળે જણાવ્યું કે વાયુ સેનામાં રાફેલ જેટના આગમનથી ભારતની પ્રહાર શક્તિમાં ઘણો વધારો થશે. આ વિમાનમાં શ્રેણીબધ્ધ શક્તિશાળી શસ્ત્રો લઇ જઇ શકાશે, જેમાં મુખ્ય હશે ઃ એર-ટુ-એર મિસાઇલ અને સ્કાલ્પ ક્રુઝ મિસાઇલ.
મિસાઇલ સિસ્ટમ ઉપરાંત રાફેલ જેટમાં ભારતને અનુકૂળ વિવિધ ચોક્કસ ફેરફાર કરાયા છે, જેમાં ઇઝરાયલી હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લેઝ, રડાર વોર્નિંગ રીસિવર, લો બેન્ડ જામર, ૧૦- કલાક ફલાઇટ ડેટા રેકોર્ડિંગ, ઇન્ફ્રા-રેડ સર્ચ એન્ડ ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.