ભારતને સલાહ આપનારા કેનેડામાં ખેડૂતો વિફર્યા, કાર્બન ટેક્સનો ભારે વિરોધ

– ભારતના ખેડૂતોની તરફેણ કરનારા જસ્ટિને પોતાના ખેડૂતોને નારાજ કર્યા

– કેનેડાએ કાર્બન ટેક્સમાં વધારો ઝિંકતા ખેડૂતો રોષે ભરાયા, કૃષિના ખર્ચમાં વધારો થવાની ભીતિ, વડાપ્રધાન જસ્ટિન ભીસમાં

ભારતમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સમર્થન આપ્યું હતું. જોકે હવે કેનેડાના ખેડૂતો જ પોતાની સરકારની વિરૂદ્ધમાં આવી ગયા છે અને ખેતી સંલગ્ન જુદી જુદી માગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેથી ભારતના ખેડૂતો મુદ્દે નિવેદનો આપનારા જસ્ટિન ખુદ પોતાના જ દેશના ખેડૂતોના રોષનો સામનો કરી રહ્યા છે.

કેનેડાની સરકારે કાર્બન ટેક્સમાં વધારો કર્યો છે જેને પગલે સૃથાનિક ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. કેનેડાની સરકારે એક પ્લાન ઘડયો છે જેમાં 2050 સુધીમાં પ્રદુષણને શૂન્ય પર લાવવામાં આવશે તેવો દાવો કરી રહી છે.

જે માટે સરકારે કાર્બનના ભાવમાં પ્રતિ વર્ષ 15 કેનેડિયન ડોલરનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ વધારો 2023થી શરૂ થઇ જશે અને 2030 સુધીમાં પ્રતિ ટન કાર્બનનો ભાવ 170 ડોલરે પહોંચી જશે. સાથે જ કેનેડાની સરકારે પ્રતિ ટન 20 ડોલરનો ટેક્સ પણ ઝીક્યો છે જે 2022માં 50 ડોલર કરી દેવાશે.

આ નિર્ણયને પગલે કેનેડાની કૃષિ ઇન્ડસ્ટ્રીમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, ખેડૂતોનો દાવો છે કે કાર્બન પરના વધારા ટેક્સથી ખેડૂતો પર તેનું ભારણ વધશે, ફાર્મ બિલ્ડિંગ્સના હિટિંગનો ખર્ચ વધશે, રેલ દ્વારા કૃષિ પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનો ખર્ચ વધશે અને ફર્ટિલાઇઝર તેમજ અન્ય કૃષિ સંલગ્ન મશિનરી ખરીદવામાં પણ ખર્ચ વધશે.

નારાજ ખેડૂતો હવે કેનેડાની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરી રહ્યા છે જેને પગલે કેનેડાના વડા પ્રધાન ભારતીય ખેડૂતોને લઇને નિવેદનો આપી રહ્યા હતા તેઓએ હવે પોતાના જ દેશના નારાજ ખેડૂતોને મનાવવા પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.