સરિતા ગિરીનો દોષ એ હતો કે તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને બંધારણીય સુધારા અગે સવાલો પૂછ્યા હતાં
નેપાળના સાંસદ સરિતા ગિરીને દેશનાં નવા નકશામાં ભારતીય પ્રદેશો કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાને શામેલ કરવા અને સત્ય બોલવાનાં અને સરકારનાં આ પગલાનો વિરોધ કરવા બદલ સજા કરવામાં આવી છે.
તેમને સમાજવાદી પાર્ટીમાંથી હટાવવા સાથે સાંસદ પદેથી પણ હટાવવામાં આવ્યા છે. સરિતા ગિરીનો દોષ એ હતો કે તેમણે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને બંધારણીય સુધારા માટેનો આધાર પૂછ્યો હતો.
નેપાળી મીડિયા કાંતિપુરના એક રિપોર્ટ મુજબ, સંઘીય સંસદના સચિવાલયએ જાહેરાત કરી છે કે સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીની બેઠક ખાલી થઇ છે.
સંસદના મહાસચિવ ભરતરાજ ગૌતમે માહિતી આપી હતી કે સરિતા ગિરીને પાર્ટી દ્વારા હાંકી કાઢવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને નિયમ મુજબ સાંસદ પદ પરથી પણ હટાવવામાં આવ્યા છે. બંધારણના આર્ટિકલ 89 મુજબ ગિરીને સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
સમાજવાદી પાર્ટીએ એમ કહીને તેમને હાંકી કાઢ્યા છે કે તેઓ પાર્ટીના વ્હિપને અનુસરતા ન હતાં. નવા નકશાનો વિરોધ કરવા બદલ સરિતા નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી તેમજ તેમની પાર્ટીનાં નિશાન પર આવી ગયા હતાં, સરિતા ગિરીને ઘણી વાર ધમકી આપવામાં આવી હતી, તેના ઘર પર હુમલો પણ કરાયો હતો.
સરિતા ગિરીએ સરકારને પૂછ્યું હતું કે કયાં આધારે આ ક્ષેત્રોનો નવા નકશામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કાલાપાણી, લીપુલેખ અને લિમ્પીયાધુરા પર દાવા માટે સરકાર પાસે કોઈ આધાર નથી.
તેમણે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના તે હુકમની પણ વિરુદ્ધ છે, જેણે કહ્યું હતું કે કોઇ રાષ્ટ્રીય પ્રતીકમાં ફેરફાર કરવા માટે પૂરતા પુરાવાની જરૂર છે. નવા નકશામાં સમાવિષ્ટ વિસ્તારો વિશે સરકારે આ બિલમાં કોઈ આધાર અથવા પુરાવા પૂરા પાડ્યા નથી.
કેપી શર્મા ઓલીએ સરકારની નિષ્ફળતાઓ સામે વધતા વિરોધને દબાવવા માટે નવો નકશો બનાવ્યો. રાષ્ટ્રવાદનાં આ મુદ્દા સામે અવાજ ઉઠાવવાની હિંમત કોઈ પણ નેતા એકત્ર કરી શક્યા નહીં, પરંતુ સાંસદ સરિતા ગિરીએ પ્રતિનિધિ ગૃહમાં વિરોધ કર્યો. નવા નકશાનો વિરોધ કરનારા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીને ‘ભારતની ચેલી’ કહેવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.