ભારતમાં તીડોનું મહાઆક્રમણ : ગુજરાત સહિત 8 રાજ્યો ઝપેટમાં

– કોરોના, ગરમી, વાવાઝોડા વચ્ચે 27 વર્ષમાં ન જોયો હોય તેવો કેર


– રસ્તામાં આવતી તમામ લીલોતરી ખાઈ જતાં આ તીડને કારણે જથ્થાબંધ પાક નષ્ટ થશે

– જયપુરના આકાશમાં અંધકાર છવાય એવડું ટોળું જોવા મળ્યું! ખેતરોમાં પરગ્રહીઓ ત્રાટક્યા હોય એવાં દૃશ્યો

– ભારતમાં સ્થિતિ વધારે ખરાબ થવાની ચેતવણી : ટૂંક સમયમાં તીડનો આતંક કાબુમાં લેવાશે, તેવો ભારતનો દાવો

ભારતના અનેક રાજ્યોમાં રણ તીડ નામની વધુ એેક આફત ઉતરી આવી છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે અડધો ડઝન રાજ્યોના ખેતરો પર તીડ ત્રાટક્યા છે અને પાકનો સોથ વાળી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન (એફએઓ-ફાઓ)’એ વિવિધ તબક્કે આ અંગે ચેતવણી  આપી હતી. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ અંગે ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરિણામે રાજસ્થાનના જયપુર જેવા શહેરોમાં તો તીડનું વાદળ છવાયું હોય એવા દૃશ્યો જોવા મળ્યાં હતા અને ક્યાંક ક્યાં તીડનાં ટોળાંને કારણે અંધકાર પણ છવાયો હતો. ભારત પર છેલ્લા ૨૬-૨૭ વર્ષમાં થયેલું આ સૌથી મોટું તીડાક્રમણ છે. આ પહેલા ૧૯૯૩-૯૪ના વર્ષે તીડનું તાંડવ જોવા મળ્યું હતું. એ વખતે કુલ ૧૭૪ વખત તીડે નાનું-મોટું આક્રમણ કર્યું હતું.

ભારતના ‘લોકસ્ટ (તીડ) વોર્નિંગ સેન્ટરે’ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં તીડના ટોળાંને કાબુમાં લઈ લેવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં તીડનાશક દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે. આ તીડ  અત્યંત ખાઉધરા હોય છેે. માટે તેના રસ્તામાં જે કંઈ લીલોતરી આવે તેને સાફ કરી નાખે છે. પરિણામે અત્યાર સુધીમાં ભારતનો લાખો હેક્ટરનો ઉભો પાક તીડના પેટમાં પહોંચી ગયો છે. કોરોના, વાવાઝોડું, ગરમી, વગેરે આફતનો સામનો કરતાં ભારત પર આ એક વધુ કુદરતી આપદા આવી પહોંચી છે. રાજસ્થાનમાં તો આ તીડ મે મહિનાના આરંભથી જ દેખાવા શરૂ થયા હતા. ગયા વર્ષે પણ ગુજરાત પર તીડ ત્રાટક્યા ત્યારે સરકારે થાળી-વાસણો વગાડવાની સલાહ આપી હતી.

સામાન્ય રીતે સરહદી રાજ્યોમાં દેખાતા તીડ આ વખતે મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ જેવા જંગલો સુધી આ તીડ પહોંચી ગયા છે તો ઉત્તર પ્રદેશમા ંઝાંસી સુધી અસર જોવા મળી છે. આ તીડ રવાના થયા પછી પણ તેમના દ્વારા છોડવામાં આવેલો કચરો, તીડને મારી નખાયા હોય તો તેમના લાખોની સંખ્યામાં ખડકાયેલા મૃતદેહો વગેરેનો નીકાલ કરવો એ આરોગ્યની દૃષ્ટિએ મોટો પડકાર છે.

ફાઓનું કહેવું છે કે ભારત માટે જુન મહિનામાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે એમ છે. કેમ કે ભારતમાં હવે વરસાદનો સમય આવી પહોંચ્યો છે. વરસાદ અને પવનને કારણે સામાન્ય રીતે જ્યાં ન જતાં હોય એવા વિસ્તારોમાં પણ આ તીડ પહોંચે એવી સંભાવના છે. ભારતના કેટલાક વિસ્તારોમાં આ તીડને માફક આવે એવુ વાતાવરણ છે. માટે ત્યાં આ તીડ ઈંડા મુકશે તો અનુકુળ વાતાવણને કારણે પ્રજોત્પતી ૪૦૦ ગણી વધી જશે. ગરમ વાતાવરણમાં ટકી શકતા અને બહુ ઓછા પાણીથી જીવી શકતા આ તીડ ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિને કારણે વધારે ઘાતક બની રહ્યાં છે.

આફ્રિકાના પૂર્વ કાંઠાના દેશો સોમાલિયા, કેન્યા, ઇથિયોપિયા વગેરેમાં આ તીડ ગયા વર્ષથી આતંક મચાવી રહ્યાં છે અને અમુક દેશોમાં તો ૭૦ વર્ષની સૌથી ઘાતક સ્થિતિ જોવા મળી છે. એ પછી તીડ આગળ વધતા અરબ દેશો યમન, સાઉદી, ઓમાન, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થતાં ભારત સુધી પહોંચ્યા છે. આફ્રિકા અને મધ્ય-એશિયાઈ  દેશોને તીડ સામે લડવા હજુ ગયા અઠવાડિયે જ વર્લ્ડ બેન્કે ૫૦ કરોડ ડૉલરની લોન મંજૂર કરી હતી. ૧૨ દેશો અત્યાર સુધીમાં તીડનો ભોગ બની ચૂક્યા છે.

પાંચ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું તીડનું ટોળું!

ગુજરાતનો વિસ્તાર ૨ લાખ ચોરસ કિલોમીટર કરતાં ઓછો છે. તેનાથી અઢી ગણુ મોટું, ૫.૧૨ લાખ ચોરસ કિલોમીટરનું તીડનું ટોળું અમેરિકામાં ૧૮૭૫માં જોવા મળ્યું હતું. તેના આધારે ખ્યાલ આવી શકે કે આજ-કાલ જોવા મળતાં તીડના ટોળાં તો તેના કરતાં ઘણા નાના છે. આ ટોળામાં ઓછામાં ઓછા દસ અબજથી વધારે તીડ હતા અને સમગ્ર ટોળાનું વજન લાખો ટન હતું. જગતના ઈતિહાસમાં નોંધાયેલું એ સૌથી મોટું તીડનું ટોળું હતું. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યા મુજબ ટોળુ અંદાજે ૨૯૦૦ કિલોમીટર લાંબુ અને ૧૭૫ કિલોમીટર પહોળું હતું. સ્વાભાવિક રીતે આવડાં મોટાં ટોળાંની અસર કોઈ  એક રાજ્ય કે વિસ્તાર પુરતી મર્યાદિત ન હતી. અમેરિકાના અનેક રાજ્યો તેની ઝપટમાં આવ્યાં હતાં.

તીડની ઓળખ

  1.  માંડ કેટલાક મહિના સુધી જ જીવી શકતા આ તીડ આફ્રિકાના રણના રહેવાસી છે. આફ્રિકા ઉપરાંત એશિયાના કેટલાક દેશોમાં એ રહે છે. લગભગ ૬૦ દેશોમાં તેની વસતી છે.
  2.  આ તીડ ઉડવાનું શરૂ કરે તો ધરતીની કુલ જમીન પૈકી પાંચમાં ભાગની જમીન ઢાંકી શકે છે. ફાઓના અંદાજ પ્રમાણે એક ચોરસ કિલોમીટરમાં ૬થી ૮ કરોડ તીડ હોઈ શકે છે. દિવસમાં વળી દોઢસોથી બસ્સો કિલોમીટરની સફર કરી શકે છે.
  3.  તીડના એક ટોળાંનો પથારો ૧૧૦૦-૧૨૦૦ ચોરસ કિલોમીટર જેટલો હોઈ શકે. અમદાવાદનો કુલ જમીન વિસ્તાર છે, એના કરતા અઢીગણો વધારે ભાગ તીડનું એક ટોળું ઢાકી શકે છે. જયપુરમાં આજે એવા જ દૃશ્યો જોવા મળ્યાં હતાં.

અનિયમિત પણ આક્રમક હુમલો

તીડ તો સદીઓથી આતંક મચાવતા રહે છે. તેના આક્રમણની નોંધ બ્રિટિશરોએ બે સદી પહેલા રાખવાની શરૂઆત કરી હતી. એ પ્રમાણે ભારતમાં નોંધાયેલું તીડનું આક્રમણ વર્ષ ૧૮૨૧માં નોંધાયુ હતું. આ તીડ નિયમિત રીતે આવતા નથી, પરંતુ ક્યારે ત્રાટકે તો વર્ષ-બે વર્ષ સુધી હુમલો ચાલે છે. ૬૦ કિલોગ્રામ વજનનો માણસ રોજનો ૬૦ કિલોગ્રામ ખોરાક ન ખાઈ શકે, પરંતુ દરેક તીડ પોતાના વજન જેટલો લીલો ચારો રોજ ખાઈ જાય. એટલે ગમે તેવડું મોટું ખેતર હોય કરોડો તીડ ત્રાટકે ત્યારે થોડી વારમાં લીલા ખેતરને બંજર કરી શકે છે. તીડના કુલ દસ પ્રકાર નોંધાયા છે, પરંતુ તેમાંથી આ રણ તીડ સૌથી વધુ ખતરનાક છે. ભારત પર નિયમિત રીતે તેનો હુમલો થતો રહે છે. ૨થી ૩ ગ્રામ વજન અને ૩થી ૪ ઈંચનું કદ ધરાવતા તીડમાં લાખો લોકોના ભાગનો પાક ખાઈ જવાની ક્ષમતા છે. એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાઈ શકે છે.

વારદાત : બોલિવૂડની ફિલ્મમાં તીડ

૧૯૮૧માં આવેલી મીથુન ચક્રવર્તીની ફિલ્મ વારદાતમાં પણ તીડના આક્રમણની વાર્તા રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં એવી વાર્તા હતી કે તીડને કારણે મોટે પાયે પાક નષ્ટ થયા પછી સરકારે તપાસ કરવા માટે અધિકારીને મોકલ્યો હતો. સરકારને એવી શંકા હતી કે તીડનું આક્રમણ કુદરતી નથી, કોઈ આતંકી કે ગુનાખોર સંગઠન હુમલો કરાવે છે. એ તપાસ અધિકારીનો રોલ ભજવતા મીથુને કરી હતી. આ ફિલ્મ સુપર હિટ રહી હતી અને ૧૯૮૧ની સૌથી વધુ કમાણી કરનારી ૨૫ ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.