ભારત વિશ્વના ટોચના પાંચ સૌર ઊત્પાદકોમાં સામેલ : પીએમ મોદી

– સૌર ઊર્જા શ્યોર, પ્યોર, સિક્યોર છે : વડાપ્રધાન

– વડાપ્રધાન મોદીએ રિવામાં એશિયાના સૌથી મોટા 750 મેગા વોટના સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

 

ભારત સ્વચ્છ ઊર્જા માટે વિશ્વના સૌથી આકર્ષક બજાર તરીકે ઊભરી આવ્યું છે અને કેન્દ્રના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં વીજળીમાં આત્મનિર્ભરતા એક મહત્વનું અંગ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશના રિવામાં 750 મેગા વોટના સૌર પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ મારફત લોન્ચિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ દેશમાં સ્વચ્છ અને સસ્તી ઊર્જાના એક મોટા હબ તરીકે ઊભરી આવશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે સૌર ઊર્જા શ્યોર, પ્યોર અને સિક્યોર છે તથા વિશ્વમાં ટોચના પાંચ  સૌર વીજ ઉત્પાદકોમાં ભારતનો સમાવેશ થયો છે. સૌર ઊર્જા આજની જ નહીં, પરંતુ 21મી સદીની ઊર્જા જરૂરિયાતોનો સૌથી મોટો સ્રોત બનશે.

ભારત વિકાસના નવા શિખરો તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણી આશાઓ અને આકાંક્ષાઓ વધી રહ્યા છે. એવામાં આત્મનિર્ભર ભારત માટે વીજળીમાં આત્મનિર્ભરતા ખૂબ જ આવશ્યક છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે રિવાએ શુક્રવારે ઈતિહાસ રચી દીધો છે. રિવા પહેલાં મા નર્મદા અને સફેદ વાઘથી ઓળખાતું હતું. હવે તે એશિયાના સૌથી મોટા સૌર ઊર્જા પ્રોજેક્ટથી પણ ઓળખાશે.

રીવાનો આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષેત્રને આ દાયકામાં ઊર્જા પૂરી પાડવાનું એક મહત્વનું કેન્દ્ર બનશે. રિવાના આ પ્રોજેક્ટમાંથી દિલ્હી મેટ્રોને પણ ઊર્જા મળશે. આ યોજનામાં પ્રતિ યુનિટ 2.97 રૂપિયાના દરે વીજળી મળશે, જે અત્યાર સુધીનો સૌથી લઘુત્તમ દર છે.

આ યોજનાને પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો તેનાથી વાર્ષિક 15.7 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન અટકાવી શકાશે, જે 2.60 કરોડ વૃક્ષો લગાવવા સમાન છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.