ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણને કોંગ્રેસે ભારતના ઈતિહાસમાં ‘કાળા પ્રકરણ’ સમાન ગણાવ્યા હતા. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે મુંબઈમાં દાવો કર્યો હતો કે 23મી નવેમ્બર, 2019ના દિવસને ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં ‘કાળી શાહી’થી લખાશે.
તેમણે ભાજપે રાજ્યમાં ‘ગેરકાયદે’ સરકાર રચીને લોકશાહીના ‘કોન્ટ્રાક્ટ કિલર’નું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે જણાવ્યું કે તકવાદી અજિત પવારને જેલમાં ધકેલવાનો ડર બતાવીને લોકતંત્રની હત્યા કરી દેવાઈ છે. આ મહારાષ્ટ્રના લોકો સાથે છેતરપિંડી છે.
અહેમદ પટેલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અહેમદ પટેલે જણાવ્યું હતું કે ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને એનસીપીના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે ‘ગુપ્ત’ રીતે શપથ લીધા હતા.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સુરજેવાલે કહ્યું કે પહેલા તો કહેતા હતા કે અજિત પવારને આર્થર રોડ જેલ મોકલીશું. હવે તેમને જ નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા છે, કારણ કે મોદી હૈ તો મુમકીન હૈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલે અમિત શાહના હીટમેન તરીકે કામ કર્યું છે.
મોદી અને શાહે બાબા સાહેબ આંબેડકરના પ્રદેશમાં બંધારણના લીરેલીરા ઉડાડયા છે. ભાજપ અને અજિત પવારે દુર્યોધન અને શકુનીની જેમ મહારાષ્ટ્રના લોકો દ્વારા અપાયેલા લોકતાંત્રિક જનાદેશની મજાક ઊડાવી છે. આ સાથે રણદીપ સુરજેવાલે 10 સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપને સુરજેવાલના 10 સવાલ
1. સરકાર બનાવવાનો દાવો ક્યારે અને કોણે રજૂ કર્યો હતો. સરકાર બનાવવાના દાવા પર ભાજપ-એનસીપીના કેટલા ધારાસભ્યોના હસ્તાક્ષર છે.
2. આ હસ્તાક્ષરો ક્યારે અને કોણે વેરીફાઈ કર્યા છે.
3. રાજ્યપાલે રાત્રે કેટલા વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી.
4. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી તો કેટલાક વાગે કરાઈ.
5. કેબિનેટની બેઠક રાતે કેટલાક વાગે યોજાઈ અને આ બેઠકમાં કયા મંત્રીઓ સામેલ હતા.
6. કેબિનેટની ભલામણ રાત્રે કેટલાક વાગે રાષ્ટ્રપતિને મોકલાઈ.
7. ભલામણ રાષ્ટ્રપતિએ રાત્રે કેટલા વાગે સ્વીકારી.
8. રાજ્યપાલે ક્યારે અને કેટલા વાગ્યે શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું.
9. માત્ર એક ખાનગી એજન્સી એએનઆઈ સિવાય અન્ય પત્રકારો અને મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશને શપથ ગ્રહણ માટે આમંત્રણ કેમ ન અપાયું?
10. શપથ અપાવ્યા પછી રાજ્યપાલે કેમ કહ્યું નથી કે બહુમતી કેટલા સમયમાં સાબિત કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.