ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની, ટેસ્ટ સિરીઝની પહેલી મેચ, આજે રમાશે ચેન્નઈમાં

એક વર્ષથી વધુ લાંબા સમયબાદ આજે શુક્રવારથી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારત(INDIA) અને ઇંગ્લેન્ડ(england)ની વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ આજે ચેન્નાઇ (chennai)માં રમાશે.

કોરોનાને લીધે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રારંભ થવા જઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈ દર્શક નહીં હોય. મહામારીને કારણે પહેલી ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરીમાં રમાશે, પરંતુ સરકારની નવી માર્ગદર્શિકાને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ની સાથે બીજી ટેસ્ટમાં સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપવામાં આવી છે.

નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ ફરીથી ટીમની કમાન સંભાળી છે. કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને જો રૂટના નેતૃત્વમાં આવેલી ઇંગ્લેન્ડની ટીમ તરફથી મોટા પકકારનો સામનો કરવો પડી શકે છે.

પ્રવાસી ટીમ ત્રણ પેસ બોલર અને ત્રણ સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરી શકે છે. ફોર્મમાં રહેલા જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નિશ્ચિત છે. ત્રીજા પેસ બોલર માટે સ્ટુઅર્ટ બ્રોડ તથા ક્રિસ વોકિસ વચ્ચે હરીફાઈ થશે. સ્ટોક્સ પણ પેસ બોલર તરીકેનો વિકલ્પ છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનર્સ અને બે પેસ બોલર્સના ગેમપ્લાન સાથે મેદાનમાં ઊતરી શકે છે. ચેપોકની પિચ પરંપરાગત રીતે સ્પિનર્સ માટે સ્વર્ગસમી હોવાના કારણે સ્પિન બોલર્સને વધારે પ્રાધાન્ય અપાય તેવી પૂરી સંભાવના છે. પ્લેઇંગ ઇલેવનમાં સિનિયર સ્પિનર આર. અશ્વિન સાથે ચાઇનામેન બોલર કુલદીપ યાદવ મેદાનમાં ઊતરી શકે છે.

ભારતનો છેલ્લે ૧૯૯૯ના જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે ૧૨ રનથી પરાજય થયો હતો. ત્યારબાદ ભારત આ ગ્રાઉન્ડમાં આઠ ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે. ચેપોકમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી નવ ટેસ્ટ રમાઈ છે જેમાં ભારતે છ તથા ઇંગ્લેન્ડે બે ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચેનો એક મુકાબલો ડ્રો રહ્યો હતો. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં ઇંગ્લેન્ડે ભારત સામે ઓવરઓલ હોમ અને અવે શ્રેણીમાં સર્વાધિક મેચો જીતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.